ન્યૂયોર્કમાં એક લાખ લોકો ગેરકાયદે ઘૂસ્યા, ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા.

ન્યૂયોર્ક,
દુનિયાભરમાંથી લોકો અમેરિકા પહોંચવાના કારણે અમેરિકન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે જ્યાં એક લાખથી વધુ ગેરકાયદેસર પહોંચેલા પ્રવાસીઓને કારણે શહેરમાં અરાજક્તાનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં વિશ્ર્વભરમાંથી શરણાર્થીઓના ધસારાને કારણે ન્યૂયોર્કમાં બેઘર લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ન્યૂયોર્કની રુઝવેલ્ટ હોટલમાં લાગેલા રાહત કેમ્પમાં પ્રવેશવા માટે ઘણા લોકો દિવસ-રાત લાઈન લગાવી રહ્યા છે.
હોટલથી ગ્રાન્ડ ટમનલ સેન્ટર સુધીની ફૂટપાથ પર ૨૦૦થી વધુ ગેરકાયદેસર વસાહતીઓ રહે છે. આ બેઘર લોકો ત્યાં જ ખાય-પીએ છે અને રાત્રે ત્યાં સૂઈ જાય છે. જેમાં કોલંબિયા, ચાડ, બુરુન્ડી, પેરુ, વેનેઝુએલા અને મેડાગાસ્કરના રહેવાસીઓ સામેલ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેઓ તેમના માથા નીચે બેગ રાખી કાર્ડ બોર્ડ પર ઊંઘે છે. અહીં રહેતા ઘણા લોકો ભોજન માટે મફત ફૂડ પેકેટ પર આધાર રાખે છે.

પશ્ર્ચિમ આફ્રિકાના મોરિટાનિયાના ૨૦ વર્ષીય મોહમ્મદઉ સિદિયા ડિજિટલ અનુવાદ દ્વારા અરબીમાં કહે છે કે તેનો એક મિત્ર છે. તે કહે છે કે અહીં સુધી પહોંચવા માટે તેણે એક મહિનાથી વધુ સમયની મુસાફરી કરી છે. તેઓ કહે છે કે અમે અહીં રક્ષણ માટે આવ્યા છીએ પરંતુ નિષ્ફળ ગયા છીએ.

વેનેઝુએલાના એરિક માર્કાનો છેલ્લા અઠવાડિયાથી અહીં રાહત શિબિરમાં પ્રવેશ પાસની રાહ જોઈ રહ્યા છે પરંતુ કહે છે કે લાઇન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એરિક વ્યવસાયે મજૂર છે. ભારે ગરમીથી બચવા તે કાર્ડબોર્ડનો સહારો લે છે. એરિક થોડા દિવસો પહેલાં બોર્ડર ક્રોસ કરીને ન્યૂયોર્ક આવ્યો હતો. તે કહે છે કે રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી.
રાહત શિબિરમાં જગ્યા નથી, તેથી વહીવટીતંત્રે ટેન્ટ લગાવ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકોને અન્ય જગ્યાએ રહેવા માટે ટિકિટ પણ આપવામાં આવી છે. પરંતુ આ બધું પૂરતું નથી. ન્યૂયોર્કનું કહેવું છે કે આ સંકટમાંથી બહાર આવવા માટે ૩૪ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી માત્ર ૨૪૮ કરોડ રૂપિયા જ મળ્યા છે.

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે રાજ્ય અને ફેડરલ સરકાર પાસે મદદ માંગી છે. સરકારી તંત્ર લોકોને રહેવા માટે જગ્યા આપવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. સરકારી કર્મચારીઓ હવે બેઘર લોકોને આશ્રય આપવાનું ટાળતા જોવા મળે છે. મેયરના પ્રવક્તા ફેબિયન લેવીનું કહેવું છે કે વહીવટીતંત્ર આગામી દિવસોમાં ૨ મોટી રાહત શિબિર સ્થાપવા જઈ રહ્યું છે. ક્વીન્સમાં મનોચિકિત્સક હોસ્પિટલના પાકગમાં બનાવવામાં આવનાર કેમ્પમાં ૧,૦૦૦ લોકોની ક્ષમતા હશે.