ન્યૂયોર્કમાં માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો : એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

ન્યુયોર્ક, અમેરિકામાંથી દરરોજ કોઈને કોઈ ભારતીયના મોતના સમાચાર આવે છે. હવે વધુ એક વિદ્યાર્થીના મોતની માહિતી સામે આવી છે. ન્યૂયોર્કમાં બુધવારે એક બાઇક અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે ભારતના કોન્સ્યુલેટ જનરલે આ માહિતી આપી હતી. મૃતક વિધાર્થી બેલેમ અચ્યુત ન્યૂયોર્કની સ્ટેટ યુનિવસટીનો વિદ્યાર્થી હતો. બુધવારે સાંજે બાઇક અકસ્માતમાં તેનું મોત થયું હતું.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીના પરિવારના સભ્યોના સંપર્કમાં છે.

ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, વિદ્યાર્થી બેલેમ અચ્યુતના અકાળે અવસાન વિશે જાણીને દુ:ખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા કોન્સ્યુલેટે કહ્યું કે તેઓ મૃતદેહને ભારત પરત લાવવા સહિત તમામ સહાય પૂરી પાડવા પરિવાર અને સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે.

અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતની વધતી ઘટનાઓ વચ્ચે આ ઘટના બની છે. અગાઉ એપ્રિલમાં, આ વર્ષે માર્ચથી ગુમ થયેલ એક ભારતીય વિદ્યાર્થી અમેરિકાના ઓહાયો રાજ્યમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે કહ્યું હતું કે તે મોહમ્મદ અબ્દુલ અરાફાતના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ર્ચિત કરવા સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું હતું કે, ’એ જાણીને દુ:ખ થાય છે કે મોહમ્મદ અબ્દુલ અરાફાત, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે ક્લેવલેન્ડ, ઓહિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. અરાફાતના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના. તે જ સમયે, આ વર્ષે મે મહિનામાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અમેરિકાના જ્યોજયા રાજ્યમાં એક સ્પીડિંગ કાર પલટી જતાં અકસ્માતમાં ત્રણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા છે. પાંચેય વિદ્યાર્થીઓ અલ્ફારેટા હાઈસ્કૂલ અને જ્યોજયા યુનિવસટીમાં અભ્યાસ કરતા હતા. મૃતકોની ઓળખ શ્રેયા અવસરલા, અન્વી શર્મા અને આર્યન જોશી તરીકે થઈ છે.

ત્રણેય ભારતીયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાસ્થળ પરના પુરાવાના આધારે, એવું માનવામાં આવે છે કે ડ્રાઈવરે તેની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે પછી તે પલટી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા આર્યન જોષી અને શ્રેયા અવસરલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાકીના ત્રણને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી અન્વી શર્માનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઘાયલોમાં વિદ્યાર્થીઓ મોહમ્મદ લિયાક્ત અને રિત્વક સોમપલ્લીનો સમાવેશ થાય છે. દરેકની ઉમર ૧૮ વર્ષની હતી. ૧૪ મેના રોજ બનેલી ઘટનાને કારણે હેમ્બ્રી રોડ અને મેક્સવેલ રોડ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. શ્રેયા અને તન્વી જ્યોજયા યુનિવસટીના સ્ટુડન્ટ હતા. જોશી આલ્ફારેટા હાઈસ્કૂલમાં સિનિયર હતા. હજુ તપાસ ચાલુ છે.