ન્યૂઝક્લિક ફંડિંગ કેસ: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો

ન્યુઝ વેબ પોર્ટલ ન્યૂઝક્લિક(Newsclick)ને ચીનથી કથિત ફંડિંગ મળ્યા હોવાના કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ન્યૂઝક્લિકના ફાઉન્ડર પ્રવીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ તેમની ધરપકડ સામે અરજી દાખલ કરી હતી. આજે અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થશે.

પ્રવીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીએ દિલ્હી પોલીસ દ્વારા તેમની UAPA હેઠળ ધરપકડ કારવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે અગાઉ આ અરજીને ફગાવી દીધી હતી. પુરકાયસ્થ અને ચક્રવર્તીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની ધરપકડનું કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું અને નીચલી અદાલતે તેમના વકીલોની ગેરહાજરીમાં તેમને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપી દીધો હતો. પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી અને 30 ઑક્ટોબર સુધીમાં તેનો જવાબ માગ્યો હતો. પુરકાયસ્થ અને ચક્રવર્તી તરફથી હાજર થયેલા વકીલોએ કહ્યું હતું કે તેઓ જેલમાં છે માટે તેમની અરજી વહેલી સાંભળવામાં આવે.

અગાઉ પુરકાયસ્થ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ વહેલી સુનાવણીનો ઉલ્લેખ કર્યા પછી 16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ આ મામલાની તાકીદે સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી.

ચીન તરફી પ્રચાર કરવા માટે કથિત રીતે નાણાં મેળવવા બદલ દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી કાયદા અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ બંને સામે કેસ દાખલ કર્યા હતા. એફઆઈઆર મુજબ, ન્યૂઝ પોર્ટલને “ભારતની સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા” માટે મોટું ભંડોળ દેશ ચીનથી મોકલવામાં આવ્યું હતું.

પોલીસ ફરિયાદમાં એવો પણ આરોપ છે કે પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચડવા પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) સાથે કાવતરું ઘડ્યું હતું.