ન્યૂયોર્ક, ન્યૂયોર્કના હારલેમમાં એક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૨૭ વર્ષીય એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મૃતકની ઓળખ ફાજિલ ખાન તરીકે થઈ છે. ત્યારે ભારતીય દુતાવાસ સતત ફાજિલ ખાનના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે. ભારતીય દુતાવાસે સોશિયલ મીડિયા પર કહ્યું કે હારલેમમાં આગ લાગવાની ઘટનામાં ફાજિલ ખાનના નિધનથી દુ:ખ થયું. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે મદદ કરી રહ્યા છે.
ન્યૂયોર્કના ફાયર બ્રિગેડ મુજબ સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિથિયમ-આર્યન બેટરીની જગ્યાથી ભીષણ આગ લાગી ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં ૧૭ અન્ય લોકો ઘાયલ થયા છે. આગ લાગવા દરમિયાન લોકોએ બચવા માટે દોરડાનો સહારો લીધો.
પોતાની નજરે જોનારા એન્જી રેચફોર્ડે જણાવ્યું કે આગ સૌથી ઉપર લાગી હતી, ત્યારે લોકો પોતાની જાતને બચાવવા માટે બારીની બહાર કુદી રહ્યા હતા. આ ઘટનામાં પોતાના પિતાની સાથે બચી ગયેલા એક અકીલ જોન્સે કહ્યું કે મારી પાસે મારો ફોન, મારી ચાવીઓ અને મારા પિતા છે.સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના નિવાસીઓને પોતાના જીવ બચાવવા માટે બારીમાંથી કુદવા મજબૂર થવુ પડ્યુ. ફાયરબ્રિગેડના અધિકારીઓ મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલા ૧૨ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ૪ લોકોની હાલત ગંભીર છે.
વિભાગના પ્રમુખ જોન હોજન્સે જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી. રૂમના દરવાજામાંથી તેની જ્વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે સીડીઓથી નીચે ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. ફાયરબ્રિગેડ મુજબ ૨૦૨૩માં લિથિયમ-આર્યન બેટરીના કારણે ૨૬૭ જેટલી આગની ઘટનાઓ બની છે. તેમાં ૧૫૦ લોકો ઘાયલ થયા અને ૧૮ લોકોના મોત થયા છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધી લિથિયમ-આર્યન બેટરીના કારણે આગ લાગવાના ૨૪ કેસ સામે આવી ચૂક્યા છે.