તેલ અવીવ,ઇઝરાયલમાં રક્ષામંત્રી યોઆવ ગૈલૈન્ટન નેતન્યાહુના જ્યુડિશિયલ રિફોર્મ્સ બિલના વિરોધમાં બોલવા અંગે ભારે કિંમત ચૂકવવી પડી છે. નેતન્યાહુએ તેમને બરતરફ કર્યા છે. યોઆવે ટીવી પર એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશના ન્યાયતંત્રને નબળું બનાવવા માટે જે બિલ પાસ કરવામાં આવ્યું છે, તેનાથી મિલિટરીમાં પણ વિભાજન થઈ રહ્યું છે. તેનાથી દેશની સુરક્ષા સામે ખતરો છે. સરકારે વિપક્ષ સાથે બેસીને વાતચીત કરવી જોઈએ.
બીજી બાજુ રવિવારે ફરી લાખો વિરોધીઓ ઇઝરાયલમાં રસ્તા પર ઊતરી આવ્યા અને નેતન્યાહૂને વિવાદાસ્પદ બિલ પાછું ખેંચવાની માગ કરી. પ્રદર્શન દરમિયાન લોકોએ ઇઝરાયલની રાજધાની તેલ અવીવનો મુખ્ય હાઈવે બ્લોક કરી દીધો હતો.
ઇઝરાઇલના લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ખાનગી ઘરની બહાર જોરદાર પ્રદર્શન કર્યું. આ લોકો સાથે પોલીસની અથડામણ થઈ હતી. સાથે જ લોકોએ પ્રદર્શન દરમિયાન થાળીઓ પણ વગાડી હતી. ઘણા લોકોએ હાઇવે પર આગ પણ લગાવી હતી.
એક વિરોધર્ક્તાએ બીસીસીને કહ્યું કે નેતન્યાહુએ દેશની લોકશાહીને જોખમમાં મૂકવાની તમામ હદો વટાવી દીધી છે. મામલો વધતો જોઈને અમેરિકાએ પણ ઇઝરાયલની કામગીરી અંગે ટિપ્પણી કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું છે કે ઇઝરાયલે આ મામલાને વહેલી તકે ઉકેલવો જોઇએ. ઇઝરાયલના પ્રદર્શનને લઇને સોમવારે એટલે આજે નેતન્યાહૂ સત્તાધારી ગઠબંધનમાં સામેલ બધી જ પાર્ટીઓ સાથે વાત કરશે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ બેઠક મુખ્ય રહેશે જેથી સરકારનું વર્તન સ્પષ્ટ જોવા મળશે. ત્યાં જ વિપક્ષના નેતા યેર લૈપિડે કહ્યું કે નેતન્યાહૂ ડિફેન્સ મિનિસ્ટરને બરતરફ કરી શકે છે પરંતુ આવું કરવાથી હકીક્ત બદલાશે નહીં.