નેતાજી થાય ગુસ્સે : ત્રણ યુવાનોએ મચાવ્યો હતો હોબાળો..એ ભાઈ એય… શાંતિથી વાત કરો..

  • પબુભા માણેકને યુવકોએ ધારદાર સવાલો કર્યા
  • વિકાસ અને રોજગારી મામલે સવાલોને લઈ મામલો ઉગ્ર બન્યો
  • યુવાનોએ સવાલો પૂછતા પબુભા માણેક થયા લાલઘુમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને કડવા અનુભવો થઈ રહ્યાં છે. કોઈક જગ્યા લોકો પાંચ વર્ષનો હિસાબ માંગી રહ્યા છે તો કોઈક જગ્યાએ વાયદા યાદ કરાવી રહ્યાં છે. 

પબુભા માણેકને કડવો અનુભવ થયો 
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, રાપરના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા બાદ હવે દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકને કડવો અનુભવ થયો છે. દ્વારકાના ગોકલપર ગામે સભામાં પબુભા માણેકને ધારદાર સવાલો પૂછ્યા હતા. 

પબુભા માણેક સામે યુવકોએ ઉઠાવ્યા સવાલો
ગોકલપર ગામે યુવાનોએ વિકાસ અને રોજગારી મામલે સવાલો પૂછતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનિક યુવાનોએ કંપનીઓમાં રોજગારી મુદ્દે સવાલો કરતા પબુભા માણેક ગુસ્સે થયા હતા. તેમણે માઈક હાથમાં લઈને યુવકોને ખખડાવ્યા હતા. તેમણે યુવકોને શાંતિથી વાતચીત કરવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

મતદારે સવાલ કરતાં પબુભાએ પિત્તો ગુમાવ્યો
આ પહેલા પણ પબુભાનો વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં પબુભા માણેક પોતાના ટેકેદારો સાથે ગયા હતા. આ દરમિયાના મતદારે  સવાલ કરતા પબુભા ગુસ્સે ભરાયા હતા અને મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે મતદારને બરાબરનો ઘઘલાવી નાખ્યો હતો. એટલું જ નહીં વિપક્ષ પાસેથી ‘રોકડા કરી લીધા છે’? તેવું કહીને ધમકાવ્યો હતો. ત્યારબાદ મતદારને મિટિંગમાંથી બહાર નીકળી જવાનું પણ કહ્યું હતું.