કાઠમાંડૂ,નેપાલ ક્રિકેટ ટીમે મંગળવારે એક ઇતિહાસ રચી દીધો છે, નેપાળની ક્રિકેટ ટીમે ૨જી મેના દિવસે કાઠમંડુના ટીયુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ACC મેન્સ પ્રીમિયર કપની ફાઇનલમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ને હરાવી દીધુ હતુ, આ જીતની સાથે જ નેપાળે ઈતિહાસ પણ રચી દીધો. ખાસ વાત છે કે, નેપાળની ક્રિકેટ ટીમ પ્રથમવાર એશિયા કપ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઇ ગઇ છે. સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપ ૨૦૨૩માં નેપાળની ટીમ ભારત અને પાકિસ્તાનની સાથે ગ્રુપ છમાં અંતિમ સ્થાન પર રહેશે.
મેચની વાત કરીએ તો, ગુલશન કુમાર ઝાની ૮૪ બૉલમાં ૬૭ રનની શાનદાર ઈનિંગની મદદથી નેપાળે યુએઇને સાત વિકેટથી હરાવ્યું હતુ, અને એશિયા કપ ૨૦૨૩ માટે નેપાળને ટિકીટ મળી ગઇ હતી. ગુલશન ઝાને નંબર ૩ પર ઉતરવું અને કેપ્ટન રોહિત પૌડેલ અને કૉચ મૉન્ટી દેસાઈ માટે માસ્ટરસ્ટ્રૉક સાબિત થયું હતુ. ૧૭ વર્ષીય ગુલશન ઝાએ ૧૧૮ રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરતી વખતે અણનમ ૬૭ રન બનાવ્યા હતા.
ખાસ વાત છે કે, આ વખતે એશિયા કપ ૨૦૨૩નું આયોજન પાકિસ્તાનમાં થઇ રહ્યું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે મામલો હજુ ગુંચવાયેલો પડ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે સત્તાવાર રીતે કહ્યું હતું કે, ભારત એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આના જવાબમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ હાઇબ્રીડ વેન્યૂ મૉડલને સૂચવ્યું હતું. આ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તટસ્થ સ્થળે રમાશે. નજમ સેઠીએ કહ્યું, “અમે આ હાઇબ્રીડ મૉડલ માટેનો નિર્ણય લીધો છે કે પાકિસ્તાન તેની એશિયા કપ મેચો ઘરઆંગણે અને ભારત તટસ્થ સ્થળોએ રમશે અને આ એશિયન ક્રિકેટ કાઉન્સિલને અમારો પ્રસ્તાવ છે. છ ટીમ વાળી એશિયા કપ ટૂર્નામેન્ટ આગામી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી રમાશે, જોકે સ્થળ અંગેની અનિશ્ર્ચિતતાને કારણે મેચોના ચોક્કસ શિડ્યૂલની જાહેરાત કરવામાં આવી નથી.