નેપાળે ૧૬ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પ્રતિબંધ લાદયો, બાબા રામદેવ સહીત આ કંપનીઓને લાલ બત્તી દેખાડાઈ

કાઠમાંડૂ,

નેપાળે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને લઈને કડક વલણ દેખાડ્યું છે. નેપાળના ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે યોગ ગુરુ બાબા રામદેવની કંપની દિવ્યા ફાર્મસી સહિત ૧૬ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની યાદી પ્રકાશિત કરી કહ્યું છે કે આ કંપનીઓ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.નેપાળ દ્વારા જાહેર કરાયેલ નેપાળના એલોપેથિક અને આયુર્વેદ દવા બજારમાં આ ભારતીય કંપનીઓને દવા આયાત કરવાની મંજૂરી આપશે નહીં. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ નેપાળ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના પ્રવક્તા સંતોષ કેસીએ જણાવ્યું હતું કે “અમારા દેશમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવા માટે અરજી કરનાર ફાર્માસ્યુટિકલ કંપનીઓની ઉત્પાદન સુવિધાઓનું નિરીક્ષણ કરી કંપનીઓની યાદી જાહેર કરી છે જે ડબ્લ્યુએચઓની ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને અનુસરતી નથી.

બાબા રામદેવની દિવ્યા ફાર્મસી ઉપરાંત આ યાદીમાં રેડિયન્ટ પેરેન્ટેરલ્સ લિ., મર્ક્યુરી લેબોરેટરીઝ લિ., એલાયન્સ બાયોટેક, કેપ્ટાબ બાયોટેક, એગ્ગ્લોમેડ લિ., ઝી લેબોરેટરીઝ લિ., ડેફોડિલ્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., જીએલએસ ફાર્મા લિ., યુનિજુલ્સ લાઇફ સાયન્સ લિ., કોન્સેપ્ટનો પણ સમાવેશ થાય છે. ફાર્માસ્યુટિકલ્સ પ્રા., શ્રી આનંદ લાઈફ સાયન્સ લિ., આઈપીસીએ લેબોરેટરીઝ લિ., કેડિલા હેલ્થકેર લિ., ડાયલ ફાર્માસ્યુટિકલ્સ, એગ્ગ્લોમેડ લિ. અને મેકર લેબોરેટરીઝ લિ.નું પણ નામ છે.

નેપાળના ડ્રગ વિભાગે કહ્યું કે તેણે જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાંથી કેટલીક પહેલેથી જ નોંધાયેલ છે અને કેટલીક નવી કંપનીઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક કંપનીઓની પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી જરૂરિયાતોનું પાલન કરતી નથી અને કેટલીક કંપનીઓ સારી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું પાલન કરતી નથી. આમાંની કેટલીક કંપનીઓના ઉત્પાદનોનો ઉપયોગ ક્રિટિકલ કેર, ડેન્ટલ કારતુસ અને રસીમાં પણ થાય છે. આ સાથે વિભાગે ૪૬ દવા ઉત્પાદક કંપનીઓની યાદી પણ પ્રકાશિત કરી છે જે ડબ્લ્યુએચની ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું પાલન કરતી હોવાનું જાણવા મળ્યું છે. નેપાળ ઔષધ વિભાગ સતત સ્થાનિક અને વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓની સારી ઉત્પાદન પ્રક્રિયાની તપાસ કરે છે. થોડા મહિનાઓ પહેલા વિભાગે ડ્રગ ઇન્સ્પેક્ટરોને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપની આયાત અને વેચાણને રોકવા માટે દેખરેખ વધારવા માટે ચેતવણી પણ આપી હતી, ધ ગામ્બિયામાં બાળકોને આ સીરપનું સેવન કર્યા પછી બીમારી સામે આવી હતી. આ પગલું વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચાર કફ સિરપ વિશેની વૈશ્ર્વિક ચેતવણીને અનુસરે છે જે પશ્ર્ચિમ આફ્રિકન દેશમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલ હોઈ શકે છે.