- ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન બન્યા બાદ પ્રચંડની આ પ્રથમ ભારતની સત્તાવાર મુલાકાત છે.
નવીદિલ્હી, નેપાળના વડાપ્રધાન ૩૧મેના રોજ ભારત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રચંડ સાથે દીકરી ગંગા પણ ભારત આવી રહી છે. આ સિવાય લગભગ ૫૦ લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે હશે. આમાં મંત્રીઓ ઉપરાંત અધિકારીઓ અને પત્રકારોનો પણ સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે સરહદ સંબંધિત મુદ્દાઓ પર પણ વાતચીત થશે. વડાપ્રધાન મોદીએ પ્રચંડને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
નેપાળના અખબાર ’કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ મુજબ- પ્રચંડની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરાર પણ થઈ શકે છે. ભારત અને નેપાળ વચ્ચે સરહદ સંબંધિત કેટલાક જૂના વિવાદો છે. માનવામાં આવે છે કે આનાથી સંબંધિત કેટલાક કરાર પણ સામે આવી શકે છે.
નેપાળના કેટલાક પક્ષોએ કહ્યું છે કે પ્રચંડે સરહદી મુદ્દાઓ પર ભારત સાથે વાત કરવી જોઈએ, જેના કારણે ક્યારેક સંબંધોમાં તણાવ આવે છે. કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા એ સરહદી બિંદુઓ છે જેના પર બંને દેશો દાવો કરે છે. જોકે, નેપાળ સરકાર પણ માને છે કે સરહદી મુદ્દાઓ પર ટૂંક સમયમાં સમજૂતી પર પહોંચવું સરળ નથી, કારણ કે વાટાઘાટો ચાલી રહી છે અને તેમાં સમય લાગી શકે છે.બંને દેશોએ સરહદ સંબંધિત મામલાઓને ઉકેલવાની જવાબદારી સાથે બાઉન્ડ્રી વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આ જૂથ ૨૦૧૪માં બનાવવામાં આવ્યું હતું. ૨૦૧૯થી કોઈ બેઠક થઈ નથી.વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રચંડને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને દેશો એક સંકલિત ચેકપોસ્ટ સ્થાપવા પર પણ કરાર કરી શકે છે. તેના બે ભાગ હશે. બંને દેશોના બોર્ડર ફોર્સ સાથે મળીને પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે. આ સિવાય પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ કેટલાક કરારો થઈ શકે છે.
નેપાળ સરકાર ઈચ્છે છે કે ભારત તેની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરે. ભારતે આ માટે કેટલીક શરતો મૂકી છે. નેપાળગંજ હવાઈ માર્ગ ખોલવા અંગે પણ વિચારણા થઈ શકે છે. ભારત ઈચ્છે છે કે નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર માર્ગ બનાવવામાં આવે જે ભારતમાંથી પસાર થાય. આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, જોકે હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે નેપાળ ચીનના દબાણને સ્વીકારી રહ્યું નથી.
પ્રચંડ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ સિવાય તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને લોક્સભા અધ્યક્ષને પણ મળશે. તેઓ નેપાળ-ભારતીય બિઝનેસ સમિટને પણ સંબોધિત કરશે.નેપાળના વડાપ્રધાન તેમની ભારત મુલાકાત દરમિયાન ઉજ્જૈન અને ઈન્દોરની પણ મુલાકાત લેશે. તેઓ ઉજ્જૈનમાં મહાકાલની મુલાકાત લેશે. એક રિપોર્ટ અનુસાર, ભારત અને નેપાળ ટેમ્પલ ડિપ્લોમસી દ્વારા આગળ વધવા માંગે છે. ગયા વર્ષે નેપાળના તત્કાલિન વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વારાણસી ગયા હતા. જ્યારે મોદી મે ૨૦૨૨માં નેપાળ ગયા હતા ત્યારે તેમણે લુમ્બિની અને માયાદેવી મંદિરોની મુલાકાત લીધી હતી.