નેપાળની શાસક દહલ સરકારે: ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પરત લેવાનું વચન આપ્યું છે

  • પ્રચંડનો ચીન પ્રત્યેનો પ્રેમ ઘણીવાર છલક્તો જોવા મળ્યો છે.

કાઠમાંડૂ,

નેપાળમાં સરકાર બનતાની સાથે જ નવા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે ‘પ્રચંડે’ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા પણ તેઓ ઘણી વખત ભારતની ટીકા કરી ચૂક્યા છે. સાથે જ તેમનો ચીન પ્રત્યેનો પ્રેમ ઘણીવાર છલક્તો જોવા મળ્યો છે.

નેપાળના નવા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ, જે ચીનના નજીકના કહેવાય છે, તેમણે ભારત વિરોધી રાષ્ટ્રવાદને વેગ આપવાનું શરૂ કર્યું છે. નેપાળની શાસક દહલ સરકારે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પરત લેવાનું વચન આપ્યું છે. નેપાળને અડીને આવેલા આ વિસ્તારો પર નેપાળ પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળ સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ જારી કરાયેલા દસ્તાવેજમાં આ વાત સામે આવી છે. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે અને નવી સરકાર આ વિસ્તારો પાછા મેળવવાની પુરી કોશિશ કરશે.

જે વિસ્તારો પર કબ્જો જમાવવાની નેપાળ વાત કરી રહ્યું છે, એ વિસ્તારોને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ના રાજકીય મેપમાં ભારત પોતાની સીમામાં હોવાનું બતાવી ચુક્યું છે. આ વિશે તે સમયે નેપાળ અને ભારત વચ્ચે ખાસ્સો વિવાદ પણ ઉભો થયો હતો.કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ નેપાળ સરકારનો ઉદ્દેશ્ય પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત કરવાનો છે. નવાઈની વાત એ છે કે આ કાર્યક્રમ હેઠળ ભારત પ્રચંડ સરકારના નિશાના પર છે, પરંતુ ચીનનો સીમા સાથે જોડાયેલા કોઇ પણ વિવાદને લઇને તેમાં ઉલ્લેખ નથી.નેપાળના કોમન મિનિમમ પ્રોગ્રામ એ જરૂર કહેવામાં આવ્યું છે કે નેપાળ સરકાર ભારત અને ચીન, બંનેં પડોશી દેશો સાથે સંતુલિત રાજકીય સંબધો ઇચ્છે છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે નેપાળની સરકાર બધા સાથે દોસ્તી કોઇ સાથે દુશ્મની નહીંના મંત્ર પર આગળ વધશે.

જાણવા મળેલી માહિતી મુજબ નેપાળના નવા પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલની ભારતની જે પહેલી સત્તાવાર યાત્રા હશે, તેમાં કાલાપાની, લિપુલેખ અને લુમ્પિયાધુરા જેવી સીમાવર્તી વિસ્તારોના મુદ્દાને પ્રાથમિક્તા આપવામાં આવશે. જો કે નેપાળના પ્રધાનમંત્રી ક્યારે ભારત આવશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ સંભવત ફેબ્રુઆરી અથવા માર્ચમાં તેમની ભારત યાત્રા થઇ શકે છે. દહલની નવી સરકારમાં વિદેશ મંત્રીની નિમણૂક પણ કરવામાં આવી નથી. જ્યારે ભારત અને નેપાળ વચ્ચેના સીમા વિવાદને રોટી અને દીકરીના સંબંધના આધારે ઉકેલવા માટે વિદેશ મંત્રીની નિમણૂક કરવી ખૂબ જ જરૂરી છે.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતની યાત્રા પર આવેલા નેપાળના તત્કાલીન પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સીમાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ વાત આગળ વધી શકી નહોતી. વર્ષ ૨૦૧૯માં નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની સરકાર અને ભારત સરકાર વચ્ચે બધું સમુ સુથરું નહોતું ચાલ્યું. ભારત સરકારે પોતાના રાજકીય નકશામાં કાલાપાની, લિપુલેખ અને લુમ્પિયાધુરા પોતાના દેશમાં હોવાનું બતાવ્યું હતું. નેપાળે તેનો વિરોધ કર્યો હતો અને પોતાનો દાવો હોવાનો આરોપ લગાવ્યો હતો.

દેશના ટોચના નેતા તરીકે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડનો આ પ્રથમ કાર્યકાળ નથી. આ પહેલા પ્રચંડ ૨૦૦૮ થી ૨૦૦૯ અને ૨૦૧૬ થી ૨૦૧૭ સુધી વડાપ્રધાન હતા. નેપાળમાં એવો રિવાજ રહ્યો છે કે જ્યારે પણ વડાપ્રધાન બને છે ત્યારે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત ભારતની હોય છે. પરંતુ જ્યારે પ્રચંડને પહેલીવાર નેપાળની સત્તા મળી ત્યારે તેમણે આ રિવાજ તોડવામાં જરા પણ સમય ન લીધો અને તેઓ ભારતને બદલે ચીન પહોંચી ગયા હતા.

હવે જ્યારે પ્રચંડે ફરી એકવાર નેપાળની સત્તા સંભાળી છે, ત્યારે ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે પ્રચંડ રાષ્ટ્રવાદના નામે આ સરહદી વિવાદનો લાભ લઇ શકે છે. ભારતમાં જે પ્રકારનો રાષ્ટ્રવાદ છે, જેણે થોડા દાયકાઓ પહેલાં ગુલામીમાંથી આઝાદીની સવાર જોઈ હતી તે નેપાળમાં જોવા મળતી નથી.