- એક કુટનિતીક રીતે ચીનને ભારત તરફથી જવાબ છે. ચીન પોતાની રેલવે લાઈન નેપાળમાં નાખવા માગે છે.
કાઠમાંડૂ,
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ભારત આવે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને દેશોએ આ સંભાવના પર ચર્ચા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથેની મુલાકાત દરમિયાન પ્રચંડે ભારત આવવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.
સરકાર સંચાલિત સમાચાર પત્ર મુજબ, જો કે તેમની મુલાકાતની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને વેપાર, ઉર્જા, કૃષિ, સંસ્કૃતિ અને હવાઈ સેવાઓ જેવા મુદ્દાઓ પર મુખ્ય ચર્ચા કરવામાં આવશે.
પ્રચંડે અગાઉ કહ્યું હતું કે તેઓ તેમની પ્રથમ વિદેશ યાત્રા તરીકે ભારતની મુલાકાત લેશે. ભારતીય દૂતાવાસે સોમવારે કહ્યું હતું કે, વિદેશ સચિવ ક્વાત્રાએ વડાપ્રધાન પ્રચંડ સાથે મુલાકાત કરી અને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.
દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને નેપાળ નજીકના ભાગીદારો છે અને આનો અંદાજ વર્ષો જૂના સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધો પરથી લગાવી શકાય છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચેના ઉચ્ચ સ્તરીય સંબંધોને દર્શાવે છે.
અહેવાલો અનુસાર, ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રચંડને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ અભિનંદન સંદેશ સોંપીને આમંત્રણ સોંપ્યું હતું. મોદીના સંદેશનો જવાબ આપતા પ્રચંડે કહ્યું કે, તેઓ નવી દિલ્હી સાથે નજીકથી કામ કરવા, ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવા અને નેપાળ-ભારત સંબંધોમાં સુધારો કરવા ઈચ્છે છે. મહત્વનું છે કે, પ્રચંડ પોતાની પહેલી મુલાકાત માટે ચીનની જગ્યાએ ભારત આવશે તે પણ એક કુટનિતીક રીતે ચીનને ભારત તરફથી જવાબ છે. ચીન પોતાની રેલવે લાઈન નેપાળમાં નાખવા માગે છે.
અક્સાઈ ચીનમાંથી પસાર થતા શિનજિયાંગ-તિબેટ હાઈવેએ ભારત અને ચીન વચ્ચે તણાવને વેગ આપ્યો હતો, જેના કારણે ૧૯૬૨માં યુદ્ધ થયું હતું. આ પ્રસ્તાવિત રેલ્વે લાઇન તિબેટના શિગાત્સેથી શરૂ થશે અને ઉત્તર પશ્ર્ચિમમાં નેપાળ સરહદમાંથી પસાર થશે. તે અક્સાઈ ચીનમાંથી પસાર થશે અને શિનજિયાંગ પ્રાંતના હોટનમાં સમાપ્ત થશે. આ પ્રસ્તાવિત રેલ્વે લાઈન અક્સાઈ ચીનના રૂટોગ અને ચીનના પ્રદેશમાં પેંગોંગ લેક નજીકથી પસાર થશે.