નેપાળના નાગરિક કાનૂનમાં સુધારો : તિબેટી શરણાર્થીઓ, નેપાળના નાગરિક બની શકશે

કાઠમંડુ, નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળના નાગરિક-કાનૂનમાં કરાયેલા સુધારાને મંજૂરી આપી છે. આ મંજૂરી તેઓએ એવા સમયે આપી છે કે જ્યારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ (પ્રચંડ) ભારતની ૪ દિવસની યાત્રાએ ભારત પહોંચ્યા છે.

વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ભારતની યાત્રાએ જવા નીકળ્યા તેના થોડા કલાકો પૂર્વે જ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળના નાગરિક-કાનૂનમાં કરાયેલા ફેરફારોને મંજૂરી આપી દીધી છે. તે પ્રમાણે નેપાળી નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી મહિલાને પણ તુર્ત જ નેપાળની નાગરિક્તા મળી શકશે. નાગરિક્તા સાથે તે મહિલાને સંપૂર્ણ રાજકીય અધિકારો પણ મળશે.

આ સુધારો (સંશોધન) એ જ સંશોધન છે કે જેને પૂર્વ-રાષ્ટ્રપતિ વિદ્યાદેવે સાંસદ દ્વારા બીજી વાર મોકલવામાં આવ્યો હોવા છતાં સહમતિ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

નેપાળનો નાગરિકનો કાનૂન દુનિયાના સૌથી ઉદાર નાગરિક્તા પૈકીનો એક છે. આ કાનૂનને રાષ્ટ્રપતિ પૌડેલે આપેલી મંજૂરીથી ચીન ધૂંધવાઈ ગયું છે. ચીન પહેલેથી જ આ સુધારા અંગે ચેતવણી આપી રહ્યું છે. તે કારણથી જ આ સુધારો કેટલાએ વર્ષો સુધી અટકી રહ્યો હતો. ચીનને ભય છે કે, નેપાળનો નાગરિક્તા કાનૂન તિબેટી શરણાર્થીઓને અને તેમના વંશજોને પણ નાગરિક્તા અને સંમતિનો અધિકાર આપે છે. એટલે તે તિબેટીઓ નેપાળના જ નાગરિક બની રહેશે.

ભારત પછી નેપાળ દુનિયામાં સૌથી વધુ તિબેટી શરણાર્થીઓનું ઘર છે. નેપાળે કોઈ દસ્તાવેજીકરણ નથી કરાવ્યું જેથી શરણાર્થીઓની નિશ્ર્ચિત સંખ્યા કહેવી મુશ્કેલ છે. ૨૦૨૦ના યુએનએચસીઆરના રિપોર્ટમાં તે આંક ૧૨,૫૦૦ હતો. હવે તો તિબેટીઓ કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં વસ્યા છે. ઘણા મય નગર પોખરામાં સ્થિર થયા છે.

વાસ્તવમાં ચીની કોમ્યુનિસ્ટ પાટની સર્વોચ્ચ પ્રાથમિક્તા તિબેટી શરણાર્થીઓ ઉપર દબાણ રાખવાનું સાથે તેને દબાણ દ્વારા કંટ્રોલમાં રાખવા માગે છે. ભારત અને નેપાળે તો મુખ્યત્વે કરીને માનવતાની દ્રષ્ટિએ જ તિબેટી શરણાર્થીઓને આશ્રય આપ્યો છે.