નેપાળમાં સાંપ્રદાયિક હિંસાને કારણે અનિશ્ર્ચિત કાળ સુધી કર્ફ્યૂ લગાવાયો

કાઠમાંડૂ, ભારતના પાડોશી દેશ નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી છે. નેપાળના ગોપાલગંજ વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાને લીધે તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. હિંસાને કારણે સમગ્ર ગોપાલગંજ વિસ્તારમાં અશ્ર્ચિતકાળ સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે મુખ્ય જિલ્લા અધિકારી બિપિન આચાર્યએ જણાવ્યું કે હિંસા અને પથ્થરબાજીને ધ્યાનમાં રાખી સામાન્ય લોકોની સુરક્ષા માટે આ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. લોકોને એકત્રિત થવાની મંજુરી નથી. સાથે જ સ્થાનિક તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઇપણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે તો તેની સાથે કડક પગલા લેવામાં આવશે. આ ઘટના બાદ નેપાળની સરહદ નજીક આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાલયન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક મહિનામાં નેપાળમાં સાંપ્રદાયિક હિંસામાં વધારો જોવા મળ્યો છે. હિંસાની ઘટનાઓને રોકવા માટે હવે સ્થાનિક પ્રશાસનને વારંવાર કર્ફ્યુ લગાવવાની જરૂર પડી રહી છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓના ટેન્શન વધ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વીડિયો વાયરલ થયા બાદ ધારન વિસ્તારમાં હિંસા ભડકી હતી. આ વીડિયોમાં લોકો માસ ખાતા દેખાઇ રહ્યાં હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદ એક અન્ય ગ્રૂપે કોશી પ્રાંતમાં લોકોને એકઠા કર્યા હતા અને ગાયની સુરક્ષા માટે રેલી કાઢી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે હિંસા અને પથ્થરબાજી થઇ હતી.

હિંસા બાદ મોટા પ્રમાણમાં સુરક્ષાકર્મી તહેનાત કરી દેવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં હિંસામાં કોઇ જાનહાની થયાનું બહાર આવ્યું નથી. આવી જ રીતે મલંગવા અને સરલાહી વિસ્તારોમાં સ્થિતિ કાબુ કરવા માટે લાંબા સમય સુધી કર્ફ્યુ લગાવવું પડ્યું હતું. આવી જ રીતે મલંગવા વિસ્તારમાં ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસા ભડકી હતી.