નેપાળમાં હિમસ્ખલનથી ૩નાં મોત, ૧૨ ઘાયલ

કાઠમંડુ,નેપાળના કરનાલી પ્રાંતમાં શનિવારે હિમસ્ખલનમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ૯ લોકો ઘાયલ થયા છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

’કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ મુજબ, આ ઘટના કરનાલી પ્રાંતના મુગુ જિલ્લામાં ચિરખુ પાસ પાસે બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરનાલી જિલ્લાના પત્રાસી નગરપાલિકાના ૧૨ લોકો નાગદમન એકત્રિત કરવા માટે ચિરખુ ગયા હતા ત્યારે તેઓ હિમપ્રપાતનો ભોગ બન્યા હતા.

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય નવને સામાન્ય ઈજાઓ થઈ હતી. અહેવાલ મુજબ, સ્થાનિક સત્તાવાળાઓએ ૧૮ મે સુધી મુગુની ઉપરની ટેકરીઓ પર મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, મોટી સંખ્યામાં લોકો નાગદમન એકત્રિત કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે.