કાઠમાંડૂ, નેપાળમાં ૮ વર્ષના સૌથી ભયાનક ભૂકંપના બે દિવસ બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. આજે સવારે ૪.૩૮ કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, આ ભૂકંપ નેપાળના કાઠમંડુથી ૧૬૯ કિમી ઉત્તર, પશ્ચિમમાં આવ્યો હતો. સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ માપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના ભયાનક ભૂકંપ બાદ નેપાળની ધરતી સતત ધ્રૂજી રહી છે.
તમને જણાવી દઈએ કે ભારે વિનાશ સર્જનાર ભૂકંપના એક દિવસ બાદ ગઈકાલે નેપાળમાં ફરી ૪.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જાજરકોટ જિલ્લામાં શનિવારે બપોરે ૩.૪૦ કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, આટરશોક ૪.૨ની તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર રામીદાંડા હતું. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ આ આંચકો અનુભવાયો હતો.
નોંધનીય છે કે નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ૬.૪ની તીવ્રતાના ભૂકંપને કારણે દેશના અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકોના મોત થયા હતા અને ૧૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે સેંકડો મકાનોને નુક્સાન થયું હતું. ૨૦૧૫ પછી નેપાળમાં આ સૌથી વિનાશક ભૂકંપ છે. ૨૦૧૫ પછી પશ્ચિમ નેપાળમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ હતો. ભૂકંપના કારણે હિમાલયના દેશના અંતરિયાળ વિસ્તારોમાં સેંકડો મકાનોને નુક્સાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ ૫૦૦ કિમી દૂર જાજરકોટ જિલ્લામાં હતું. ભારત-નેપાળ સરહદની નજીક હિમાલયની તળેટીમાં સ્થિત નેપાળગંજ, કાઠમંડુ કરતાં ભૂકંપગ્રસ્ત વિસ્તારની નજીક છે.
નેપાળમાં જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં પણ બપોરે ૧:૨૫ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ અફઘાનિસ્તાનથી ૩૨૮ કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત ફૈઝાબાદમાં આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી છે.