કાઠમાંડૂ,
૨૦ નવેમ્બરે યોજાનારી સંઘીય અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીને લઈને નેપાળમાં ભારે ઉત્તેજના ચાલી રહી છે. દેશમાં રાજકીય સ્થિરતા એક મોટી સમસ્યા છે. આ જોઈને નેપાળના લોકો આ વખતે સાવધાન થઈ ગયા છે. ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા વિના બદલાતી સરકારોએ દેશમાં રાજકીય વિભાગ કરતાં વધુ સંકટની સ્થિતિ સર્જી છે. દેશની જનતા સ્થિરતા શોધી રહી છે અને તેને યાનમાં રાખીને આ વખતે અલગ-અલગ પક્ષોને ફાયદા અને ગેરફાયદામાં તોલવામાં આવશે. ઘણા પક્ષોને આશા છે કે તેઓ ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરશે. જોકે, વિશ્લેષકો માને છે કે આ વખતે પણ નેપાળની જનતાને ચૂંટણીનો કોઈ ફાયદો નહીં મળે અને રાજકીય સંકટ એ જ રીતે ચાલુ રહેશે.
નેપાળમાં લગભગ ૧.૮૦ કરોડ મતદારો મતદાન કરવા પાત્ર છે. આ મતદારો નવી ફેડરલ અને પ્રાંતીય વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતદાન કરશે. નેપાળમાં ૨૦ નવેમ્બરે ફેડરલ સંસદના ૨૭૫ સભ્યો અને ૭ પ્રાંતીય એસેમ્બલીની ૫૫૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો પર તમામ પક્ષોની નજર છે. ૨૭૫ સભ્યોની ફેડરલ સંસદના ૧૬૫ સભ્યો ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ સિસ્ટમ દ્વારા ચૂંટવામાં આવશે. જ્યારે બાકીની ૧૧૦ બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ સિસ્ટમ દ્વારા ભરવામાં આવશે. ૭ પ્રાંતીય ગૃહોની કુલ ૩૩૦ બેઠકો પર સીધો નિર્ણય થશે. જ્યારે બાકીની ૨૨૦ બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ દ્વારા ભરવામાં આવશે.
રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવવા અને પીઆર હેઠળ બેઠકો સુરક્ષિત કરવા માટે પાર્ટીએ એફપીટીપી હેઠળ ઓછામાં ઓછી એક બેઠક અને ફેડરલ સંસદમાં ૩ ટકા મત જીતવા આવશ્યક છે. ચૂંટણી પંચે એક જ દિવસમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે, કારણ કે આમાં ધાંધલધમાલની શક્યતાને ટાળી શકાશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. ૧૯૯૦થી અત્યાર સુધી નેપાળમાં ૩૨ વખત સરકાર બની છે. માત્ર ૧૪ વર્ષમાં ૧૦ સરકારો બની છે. જ્યારે રાજાશાહી ૨૦૦૮માં નાબૂદ કરવામાં આવી હતી. દેશના વિવિધ પક્ષો અને નેતાઓએ સ્થિર સરકાર પ્રદાન કરવા, લોકશાહીને મજબૂત કરવા, આથક વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા સહિતના ઘણા લોકપ્રિય વચનો આપ્યા હતા. જોકે, તેમને પૂરા કરવાની હિંમત કોઈએ દેખાડી ન હતી.
આ વખતે ચૂંટણીનો મુકાબલો બે રાજકીય પક્ષો વચ્ચે જોવા મળી રહ્યો છે અને તે બે પક્ષો છે- નેપાળી કોંગ્રેસ પાર્ટી અને યુએમએલ પાર્ટી. રાજકીય નિરીક્ષકો માને છે કે વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના નેતૃત્વમાં નેપાળી કોંગ્રેસનું શાસક ગઠબંધન સંસદીય ચૂંટણીમાં વિજયી બનશે. જ્યારે કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની સીપીએન-યુએમએલ (નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-યુનાઈટેડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. આ વખતે ઘણા નવા રાજકીય પક્ષો અને ઘણા અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, જેઓ મુખ્ય રાજકીય પક્ષોના કેટલાક દિગ્ગજોને આકરો પડકાર આપી રહ્યા છે. તે જ સમયે, રાજકીય વિશ્લેષક રાજેશ અહિરાજે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીને લઈને લોકોમાં ઓછો ઉત્સાહ છે. તેમણે કહ્યું કે ચૂંટણી બાદ દેશમાં શાંતિ અને રાજકીય સ્થિરતાની કોઈ શક્યતા નથી.