નીટ યુજી પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર,એનટીએ પાસે જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે નીટ યુજી પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે નીટ પરીક્ષાના પરિણામોને લઈને કરવામાં આવેલ અરજીઓ મામલે એનટીએ પાસેથી ૮ જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો છે. આજે નીટ પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

એડવોકેટ જે સાઈ દીપક નીટ ઉમેદવારો વતી દલીલ કરી રહ્યા છે. અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલામાં પારદશતા જાળવવામાં આવી નથી અને અમને આનો જવાબ જોઈએ છે. સુનાવણી દરમ્યાન કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા નીટ પરીક્ષાનું આયોજન કરનાર એનટીએને નોટિસ જારી કરી છે. બેન્ચે આ મામલે એનટીએ પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે,એનટીએનો જવાબ મળ્યા બાદ તે ૮ જુલાઈએ સુનાવણી કરશે.

અરર્જીક્તાઓને જવાબ આપતા જસ્ટિસ વિક્રમ નાથે સંમત થયા કે પરીક્ષાની પારદશતા પર અસર થઈ છે. બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એનટીએ(નીટ પરીક્ષાનું આયોજન કરનાર સંસ્થા)ને નોટિસ જારી કરવા જણાવ્યું છે. જોકે, વચગાળામાં બેન્ચે કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવા અથવા તેમાં વિલંબ કરવાનો ઇનકાર કર્યો છે. ગ્રેસ માર્કસ અને ઓએમઆર શીટની ચિંતાઓને પડકારતી અન્ય વિવિધ અરજીઓ માટે, સુપ્રીમ કોર્ટે વકીલને અરજીઓને મુખ્ય ન્યાયાધીશ દ્વારા રૂટ કરવા અને સુપ્રીમ રજિસ્ટ્રીમાં કેસ રજૂ કરવા જણાવ્યું છે.

નીટ યુજી પરીક્ષા રદ કરવા અને ૧ જૂનના રોજ કથિત પેપર લીકને લઈને ફરીથી પરીક્ષા યોજવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરિણામોની જાહેરાત પહેલા શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકોએ અરજી દાખલ કરી હતી.એનટીએના શેડ્યૂલ મુજબ, પરિણામ ૧૪ જૂને જાહેર થવાનું હતું પરંતુ તે ૧૦ દિવસ પહેલા એટલે કે ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું. ૧ જૂનના રોજ દાખલ કરાયેલી અરજી સિવાય, નીટ યુજી પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં કેટલીક વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીમાં થોડા ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાના એનટીએના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. બેન્ચે એનટીએને કહ્યું, “પારદશતા પ્રભાવિત થઈ છે, તેથી અમને જવાબોની જરૂર છે,” વેકેશન બેન્ચે એનટીએ પાસેથી જવાબ માંગતા હવે આ મામલાની ૮ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.