નીટ પેપર લીક કેસ: સીબીઆઈએ ઓડિશામાંથી ’માસ્ટર માઈન્ડ’ સુશાંતની ધરપકડ કરી

તપાસ એજન્સી સીબીઆઇએ નીટ પેપર લીક કેસમાં સુશાંત કુમાર મોહંતીની ઓડિશામાંથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સુશાંતની ભૂમિકા આ કેસમાં માસ્ટરમાઇન્ડની હોવાનું કહેવાય છે. હાલ સીબીઆઈએ સુશાંતને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.

તમને જણાવી દઈએ કે આ મામલામાં અત્યાર સુધી ઓડિશામાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ ૪૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા ૪ ઓગસ્ટના રોજ પણ સીબીઆઇએ નીટ પેપર લીક કેસમાં એક સોલ્વરની ધરપકડ કરી હતી. સોલ્વર સંદીપ રાજસ્થાનના ભીલવાડાની મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ સોલ્વર સંદીપને પટનાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને ૫ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ૧ ઓગસ્ટના રોજ સીબીઆઇએ નીટ પેપર લીક કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ આ ચાર્જશીટમાં ૧૩ લોકોના નામ નોંયા છે. તેમાં ચાર ઉમેદવારો, એક જુનિયર એન્જિનિયર અને બે કિંગપિન્સના નામ સામેલ છે. સીબીઆઈએ એમ પણ કહ્યું કે આ કેસમાં કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતાના નામ પણ સામેલ છે.