NEETની તપાસ માટે CBI ટીમ ગોધરામાં સર્કિટ હાઉસમાં CBI ટીમે પૂછપરછ શરૂ કરી.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી તેમજ આ મામલે પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે CBIના પાંચથી વધારે અધીકારીઓ આવી પહોંચ્યા છે અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા.

આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં તો કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે કેસ CBIના હાથમાં છે અને તેમને જે મદદની જરૂર પડશે એ અમે કરી રહ્યા છીએ. CBIની ટીમ હાલ તપાસ કરી રહી છે. અમે તેમને કોર્ડીનેટ કરી રહ્યા છે.

સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર નીટ પ્રકરણમાં હવે નવા ખુલાસાઓ બહાર આવવની શક્યતાઓ કારણ કે જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં હવે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નીટ પરિક્ષા કૌભાંડ મામલે કેટલાક આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જલારામ હાઈસ્કુલના આચાર્યનો પણ સમાવેશ થાય છે. જોકે આ છેડાના તાર અન્ય રાજ્યો સુધી પહોંચ્યા હતા. ત્યારે તપાસની શરૂઆતમાં જ સીબીઆઇ દ્વારા પંચમહાલ જિલ્લા ડીવાયએસપી એન.વી.પટેલ દ્વારા તપાસના જરૂરી દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજની તપાસ કર્યા બાદ સીબીઆઇની તપાસમાં શું બહાર આવે છે તે હવે જોવાનું રહ્યું છે. હાલ તો સીબીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર NEET UG -2024ની તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.

આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે એ માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમ આવી પહોંચી હતી, સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.