નીટમાં બે જગ્યાએ થઈ ગડબડ, જે પણ આમાં સામેલ હશે તેને બક્ષવામાં નહીં આવે : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

નીટ પરીક્ષાના પરિણામને લઈને દેશમાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તમામ રાજ્યોમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.નીટના પેપરમાં હેરાફેરી અને પેપર લીક થવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સતત ફરીથી પરીક્ષાની માગ કરી રહ્યા છે.

આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મળ્યા હતા. આ પછી તેમનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે સ્વીકાર્યું છે કે NEET પરીક્ષાના પરિણામોમાં કેટલીક ગેરરીતિઓ થઈ છે. તેમણે કહ્યું કે આમાં જે પણ અધિકારી સંડોવાયેલા જણાશે તેને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બે જગ્યાએ કેટલીક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપે છે કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે જો એનટીએના સિનિયર અધિકારીઓ દોષી સાબિત થશે તો પણ તેમને બક્ષવામાં આવશે નહીં અને ગુનેગારોને સખતમાં સખત સજા આપવામાં આવશે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, દ્ગ્છમાં ઘણા સુધારાની જરૂર છે. કેટલાક વિદ્યાર્થીઓને ઓછો સમય મળ્યો હોવાથી તેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ભલામણ પર ૧,૫૬૩ ઉમેદવારોની પુન:પરીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું આશ્ર્વાસન આપ્યું છે. તેમનું કહેવું છે કે કોઈપણ બાળક સાથે અન્યાય થશે નહીં અને તેમના ભવિષ્ય સાથે રમત રમાશે નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોઈપણ કિંમતે ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

બિહારના પટના-નાલંદા અને ગુજરાતના ગોધરામાં નીટ પેપર લીકની શંકામાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં પકડાયેલા ઘણા આરોપીઓએ પૂછપરછ દરમિયાન પેપર લીક અને એજન્સીના અધિકારીઓ સાથે સાંઠગાંઠનો સ્વીકાર કર્યો છે. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કબૂલ્યું છે કે પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી.