નીટ કેસની સુનાવણી સ્થગિત, સુપ્રીમ કોર્ટે પહેલાથી જ નીટ પરીક્ષા ફરીથી લેવાનો ઇનકાર કરી દીધો છે

  • નીટ પેપર લીકના કિંગપિન રોકીની ધરપકડ,સીબીઆઇએ ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા.

નીટ કેસની સુનાવણી આજે મોકૂફ રાખવામાં આવી છે. હવે આ મામલે સુનાવણી ૧૮ જુલાઈના રોજ થશે. આ કેસને લગતી ૪૩ અરજીઓ કોર્ટમાં લિસ્ટેડ છે.સીજેઆઇ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરશે. ગઈકાલે કેન્દ્ર સરકારે આ મામલે સોગંદનામું દાખલ કર્યું હતું. એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે પેપર લીક ખૂબ જ નીચા સ્તરે થયું છે, તેથી ફરીથી પરીક્ષા યોજવી યોગ્ય નથી.

કેન્દ્ર સરકારે નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે આઇઆઇટી મદ્રાસે ડેટાનું વિશ્લેષણ કર્યું અને ડેટામાં કોઈ અસાધારણતા કે કોઈ સામૂહિક ભૂલ મળી નથી. કેન્દ્રએ તમામ મુદ્દાઓ પર વિચારણા કરવા માટે ૭ સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરવાની પણ દરખાસ્ત કરી હતી જેથી ભવિષ્યમાં આવી પેપર લીકની સમસ્યા ઊભી ન થાય. તે જ સમયે, વધુમાં કહેવામાં આવ્યું હતું કે કાઉન્સેલિંગ પ્રક્રિયા જુલાઈના ત્રીજા સપ્તાહથી શરૂ કરીને ૪ તબક્કામાં હાથ ધરવામાં આવશે. જો કોઈપણ ઉમેદવારે કોઈપણ ગેરરીતિનો લાભ લીધો હોવાનું જણાશે, તો કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન અથવા પછી પણ કોઈપણ તબક્કે આવા ઉમેદવારનો પ્રવેશ રદ કરવામાં આવશે.

સરકારે એફિડેવિટમાં વધુમાં કહ્યું છે કે મદ્રાસ આઇઆઇટીને ડેટા એનાલિસિસ દ્વારા અનિયમિતતામાં સામેલ લોકોની તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમનું વિશ્લેષણ દર્શાવે છે કે પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનારાઓની સંખ્યા ઓછી હોવાથી કોઈ મોટી ગેરરીતિ થઈ નથી. કેન્દ્રએ કહ્યું છે કે તે સુનિશ્ચિત કરી રહ્યું છે કે ૨૩ લાખ ઉમેદવારો પર ‘અપ્રમાણિત આશંકાઓ’ના આધારે ફરીથી પરીક્ષાનો બોજ ન પડે. સરકારે કહ્યું છે કે તે સુનિશ્ચિત કરી રહી છે કે ગેરવાજબી લાભ માટે દોષિત ઠરેલા કોઈપણ ઉમેદવારને કોઈ લાભ ન મળે.

દરમિયાન નીટ પેપર લીક કેસમાં તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. આ કેસમાં આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ આજે તેને પટના કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે રોકીને ૧૦ દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દીધો છે. રોકી મૂળ બિહારના નવાદાનો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે રાંચીમાં રહેતો હતો અને રેસ્ટોરન્ટ ચલાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોકીએ જ નીટનું પેપર લીક થયા બાદ તેને સોલ્વ કર્યું હતું અને તેને ચિન્ટુના મોબાઈલ પર મોકલ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇએ રોકીને પકડવા માટે ખૂબ જ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. રાકેશ રંજનની શોધમાં પટના, કોલકાતા અને પટનાની આસપાસના વધુ બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાકેશ તેની પત્નીના મેઈલ આઈડી પરથી જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરતો હતો તે જ આઈપી એડ્રેસ ટ્રેસ કરીને સીબીઆઈ તેના સુધી પહોંચી હતી.

રોકી સંજીવ મુખિયાનો સંબંધી હોવાનું કહેવાય છે. પેપર લીક કેસમાં તેની મહત્વની ભૂમિકા હોવાની શંકા છે. રોકીની આઉટર પટના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં, NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે મંગળવારે વધુ બે આરોપી સની અને રંજીતની ધરપકડ કરી છે. પકડાયેલા બે આરોપીઓમાંથી એક ઉમેદવાર છે જ્યારે બીજો અન્ય ઉમેદવારનો પિતા હતો. રણજીત ગયામાંથી અને સની નાલંદામાંથી પકડાયો હતો. બુધવારે સીબીઆઈએ બંનેને કોર્ટમાં રજૂ કરી ૬ દિવસના રિમાન્ડ લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન રોકીનું લોકેશન મળ્યું હતું.

આ કેસમાં ચિન્ટુ નામનો આરોપી સીબીઆઈ રિમાન્ડ પર હતો. તેની પૂછપરછ દરમિયાન રોકીનું નામ સામે આવ્યું હતું. ચિન્ટુના રિમાન્ડનો સમયગાળો પૂરો થતાં તેને જેલમાં મોકલી દેવાયો છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી પેપર લીક થયું હતું અને પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ સંજીવ મુખિયાએ ગોરખધંધો કરનાર ચિન્ટુના મોબાઈલ ફોન પર પ્રશ્ર્નપત્ર મોકલી આપ્યું હતું. ચિન્ટુ અને રોકીએ એમબીબીએસના વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કર્યા હતા. આ પછી, લર્ન પ્લે સ્કૂલ, પટનામાં ચિન્ટુ અને રોકી દ્વારા ઉમેદવારોને પ્રશ્ર્નપત્ર અને જવાબો આપવામાં આવ્યા હતા. તે જ સમયે, ધનબાદથી ધરપકડ કરાયેલા અમન, હજારીબાગની ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હક, ભૂતપૂર્વ વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ અને પત્રકાર જમાલુદ્દીનના રિમાન્ડ વિશેષ સીબીઆઇ કોર્ટે લંબાવ્યા છે. ચારેય હજારીબાગના છે. તેમની પૂછપરછ ચાલુ છે.