
બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી એ અદભૂત વધારો કર્યો. કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારની વાપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બનવાની આશાને કારણે આ ગતિ પાછી આવી.બીએસઇ સેન્સેક્સ ૨૩૦૩.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪,૩૮૨.૨૪ પર બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઇ નિફ્ટી ૭૩૫.૮૫ પોઈન્ટ વધીને ૨૨,૬૨૦.૩૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજે બજારમાં બેન્કિંગ , આઈટી, ફાર્મા, એફએમસીજી, ઓટો સહિત તમામ શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી.
શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે આજે રોકાણકારોએ ભારે નફો કર્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં લગભગ ૧૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વાસ્તવમાં, ગઈકાલે મોટા ઘટાડા પછી, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૩.૯૪ લાખ કરોડ થયું હતું, જે આજે વધ્યા પછી રૂ. ૪.૦૭ લાખ કરોડે પહોંચ્યું હતું. આ રીતે રોકાણકારોએ ૧૩ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. ગઈકાલે રોકાણકારોને રૂ. ૩૦ લાખ કરોડનું મોટું નુક્સાન સહન કરવું પડ્યું હતું.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધનને સામાન્ય ચૂંટણીના પરિણામોમાં અપેક્ષા કરતા ઓછી બહુમતી મળવાને કારણે મંગળવારે બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને નેસ્લેના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ખોટમાં હતો. મંગળવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૦૪ ટકા ઘટીને યુએસ ૭૭.૪૯ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મંગળવારે મૂડીબજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. ૧૨,૪૩૬.૨૨ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.