એનડીએની સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલને સ્થાન મળી શકે છે

ગુજરાત લોક્સભાની બેઠકના પરિણામોની અસર સીધી કેન્દ્રીય મંત્રી મંડળના જોવા મળશે. આગામી સરકાર રચવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ પર કાપ આવશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બીજી બાજુ જુલાઈ મહિનામાં પ્રદેશ અયક્ષની વરણી કરી દેવામાં આવશે જેમાં પણ લોક્સભાની ચૂંટણીના પરિણામોની અસર જોવા મળશે.લોક્સભા-૨૦૨૪ના ચૂંટણી પરિણામોમાં ભાજપને ૨૪૦ અને એનડીએને ૨૯૩ બેઠક મળી છે જ્યારે બીજીબાજુ કોંગ્રેસને ૯૯ બેઠકો સાથે તેમના ગઠબંધન ઈન્ડિયાને ૨૩૪ બેઠકો પ્રાપ્ત થઈ છે. આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી નથી, પણ એનડીએને બહુમતી મળી છે, જેમાં જેડીયુ અને ટીડીપી સામેલ છે. ચૂંટણી પરિણામ બાદની સ્થિતિ એવી છે કે, હવે ભાજપ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ તથા જેડીયુના નીતિશકુમારના ટેકાથી એનડીએની સરકાર રચાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે.

એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલને તબક્કે જો અને તો’ના આધારે એવી ચર્ચા થઈ રહી છે.

જો ગુજરાતના ક્વોટામાંથી મંત્રીઓ લેવાનું થાય તો એસ.જયશંકર, અમિત શાહ, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જે.પી.નડ્ડા, પરશોત્તમ રૂપાલા કે મનસુખ માંડવિયા એને સી.આ.પાટીલનો સમાવેશ થાય એવી શક્યતા છે. ગત મંત્રીમંડળના સભ્યો પૈકી દેવુસિંહ ચૌહાણનું પત્તુ કપાય એમ મનાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએની સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલને સ્થાન મળી શકે છે.એનડીએની સરકારમા આ પરિસ્થિતિમાં ગુજરાતના બેથી ત્રણ મંત્રી ઓછા થાય તેવી શક્યતા છે. એવી જ રીતે ગુજરાતમાં જે પરિણામ આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હોમ-સ્ટેટ ગુજરાતમાં એક બેઠક ઓછી થવાની સાથોસાથ સંખ્યાબંધ બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત દરેક લોક્સભાની બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો પૈકીની ઘણી બેઠકોમાં ભાજપની લીડમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જે ગુજરાતની ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠન બંનેમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યાં છે.

ભાજપે ૨૦૧૪માં એકલા હાથે ૨૮૨ બેઠક મેળવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. ૨૦૧૯માં પણ ભાજપને એકલા હાથે ૩૦૩ બેઠકો મળી હતી ત્યારે મોદી મંત્રીમંડળમાં ગુજરાતના ૭ મંત્રીને સામેલ કરાયા હતા. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ડો.જયશંકર, અમિતશાહ, પરશોત્તમ રૂપાલા, ડો.મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થયો હતો.

ગુજરાતમાં આ વખતની લોક્સભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવાની સાથોસાથ તેના પ્રદેશ ભાજપની પણ બંધ મુઠ્ઠી ખુલી જવા પામી છે. કેમ કે, તમામ બેઠકો જીતવાના અને દરેક પર ૫ લાખની લીડ સાથે વિજય મેળવવાના દાવા ઉપરાંત, શિસ્તબદ્ધ પેજ પ્રમુખો અને માઇક્રો-માઈક્ર બૂથ મેનેજમેન્ટ છતાં સંખ્યાબંધ બેઠકો પર મતદાનની ટકાવારીમાં ઉડીને આંખે વળગે તે રીતનો ઘટાડો ભાજપને ભારે પડી ગયો છે.