
રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની અમીબા સાથે સરખામણી કરીને શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જણાવ્યું હતું કે કે ભાજપના નેતૃત્વ હેઠળના આ મોરચાનો કોઈ ચોક્કસ આકાર અને કદ નથી. વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને ઘમંડિયા અને ઇન્ડિયન મુજાહિદ્દીન તરીકે ઓળખાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું હતું કે એનડીએને ધમંડિયા કહેવું જોઇએ. મહારાષ્ટ્રના હિંગોલીમાં એક રેલીને સંબોધતા તેમણે તેલંગાણાના મુખ્યપ્રધાન અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવને પણ એ સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે તેઓ ઇન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે કે કે ભાજપને સમર્થન કરે છે. ઠાકરેએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં એવા રાષ્ટ્રવાદી પક્ષો છે કે જે દેશમાં લોકશાહીનું રક્ષણ કરવા માંગે છે, પરંતુ NDAમાં મોટા ભાગના પક્ષો દેશદ્રોહી અને અન્ય પક્ષોને તોડીને ભાજપમાં સાથી તરીકે જોડાતા લોકોનો સમાવેશ થાય છે. હાલનું એનડીએ એક અમીબા જેવું છે, જેનો કોઈ ચોક્કસ આકાર અને કદ નથી. ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવી દેશે.
કેસીઆર અંગે તેમણે જણાવ્યું હતું કે જો તમે દેશ સાથે છો, તો INDIA એલાયન્સમાં સામેલ થાઓ અથવા ભાજપ સાથે તમારા જોડાણની ખુલ્લેઆમ જાહેરાત કરો. મતોનું વિભાજન કરશો નહીં. મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ કરવાની BRSની હિલચાલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે BRSએ પહેલા પોતાના રાજ્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેલંગણામાં બીઆરએસની સ્થિતિ સારી નથી. અમદાવાદમાં આગામી વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને મંજૂરી આપવા બદલ પણ તેમણે ભાજપ સરકારની પણ ટીકા કરી હતી.