મુંબઇ,
એનસીપીના પ્રમુખ શરદ પવારના નિવાસ સ્થાને સતત ફોન કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક વ્યક્તિની મુંબઈ પોલીસે બિહારના પટનાથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી નારાયમ સોની (૪૫)નો મોબાઇલ નંબર પરથી તેની ભાળ મેળવી હતી. આ વ્યક્તિએ એક જ દિવસમાં પવારના નિવાસ સ્થાને ૧૦૦થી વધુ ધમકીભર્યા કોલ કર્યા હતા અને મુંબઈ આવી દેશી બનાવટની પિસ્તોલથી તેમને ઠાર કરવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ગાવદેવી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનીને પકડી મુંબઈ લાવવામાં આવ્યો છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર સોની છેલ્લા ત્રણથી ચાર મહિનાથી શરદ પવારના નિવાસ સ્થાન સિલ્વર ઓક પર સતત ફોન કરતો અને પવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તે પવારના ઘરે ફરજ બજાવતા ઓન ડયુટી કોન્સ્ટેબલને આ પ્રકારની ધમકી આપી અશ્લીલ ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરતો.
સોનીના કોલ આપવાનું સતત ચાલુ રહેતા અંતે શરદ પવારે બીજી ડિસેમ્બરના મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર લખી આ બાબતે ફરિયાદ કરી હતી. આ વ્યક્તિ દિવસમાં ૧૦૦ વાર કોલ કરતો હોવાનું પણ પવારે પત્રમાં સ્પષ્ટ કર્યું હતું. અંતે પોલીસ કમિશનરે અધિકારીઓને આ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે જે નંબર પરથી કોલ આવતા હતા તેની વિગત મેળવતા આ કોલ બિહારની રાજધાની પટનાથી આવતા હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ ગામદેવી પોલીસ સ્ટેશનની એક ટીમ બિહાર ગઈ હતી અને પટનાથી આરોપી સોનીની ધરપકડ કરી તેને મુંબઈ લઈ આવી હતી.