
- સામનામાં એનસીપીના નવા નેતૃત્વ વિશે અનુમાન લગાવવા મુદ્દે શરદ પવારની આડક્તરી રીતે ટીકા કરી હતી.
મુંબઈ,એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે, જે દિવસથી તેમણે પાર્ટીના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી તે જ દિવસથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર અવિરત ચાલુ છે. શિવસેના (ઉદ્વવ ઠાકરે જૂથ) એ તેના મુખપત્ર સામનામાં એનસીપીના નવા નેતૃત્વ વિશે અનુમાન લગાવવા મુદ્દે શરદ પવારની આડક્તરી રીતે ટીકા કરી હતી ત્યારે તેના સંબંધમાં આજે શરદ પવારે સ્ફોટક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટીના નેતાઓ અન્ય લોકો શું કહે છે તેની પરવા કરતા નથી અને ના તો અમે આવા લેખોને કોઈ મહત્વ આપતા નથી, કારણ કે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે.
એનસીપીનું નેતૃત્વ કરવા માટે તેમના અનુગામી શોધવામાં શરદ પવારની નિષ્ફળતાનો દાવો શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી શરદ પવારે પહેલી વાર સ્ફોટક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે આવા લેખોને કોઈ મહત્વ આપતા નથી કારણ કે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. પવારે મંગળવારે સતારામાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને આ વાત કહી.
તેમણે કહ્યું હતું કે એનસીપીમાં દરેક વ્યક્તિ જાણે છે કે પાર્ટીને કઈ રીતે આગળ લઈ જવી અને તેઓ જાણે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ કેવી રીતે બનાવવું. સોમવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો હતો કે પવાર તેમના પક્ષને આગળ લઈ શકે તેવા અનુગામી શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. ‘સામના’ એ એવો પણ દાવો કર્યો હતો કે એનસીપીના નવા અધ્યક્ષ નક્કી કરવા માટે રચાયેલી સમિતિમાં કેટલાક એવા સભ્યોનો સમાવેશ થાય છે જેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સાથ આપવા ઇચ્છુક હતા, પરંતુ આ સભ્યોને એનસીપીના કાર્યકરોના દબાણને કારણે પીછેહઠ કરવી પડી હતી.
એનસીપીએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધનનો મુખ્ય ઘટક છે. જ્યારે ‘સામના’માં ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું હતું કે જો કોઈ લખે છે કે અમને નવું નેતૃત્વ મળ્યું કે નહીં, તો અમે તેને મહત્વ આપતા નથી. તે તેમને લખવાનો વિશેષાધિકાર છે, પરંતુ અમે તેને મહત્વ આપીશું નહીં. તેને અવગણો.