મુંબઇ,મહારાષ્ટ્રના રાજકીય ચાણક્ય અને એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રમુખપદ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારથી, સૌથી મોટો પ્રશ્ર્ન એ ઉભો થઈ રહ્યો છે કે, શરદ પવારનો રાજકીય વારસો હવે કોણ સંભાળશે ? વાસ્તવમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પવારના ભત્રીજા અજિત પવાર એવા બે નામ છે જેઓ એનસીપીમાં શરદ પવાર પછીના ક્રમે આવે છે. આવી સ્થિતિમાં, તેમાંથી કોઈ એક એનસીપીના આગામી નવા અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ર્ચિત છે. જોકે, એનસીપી કે શરદ પવાર માટે આ નિર્ણય લેવો એટલો આસાન પણ નહીં હોય. મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારનું કદ અનેક ગણુ મોટુ છે. આવી સ્થિતિમાં પ્રમુખ પદ કોને મળે છે તે નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એનસીપી પ્રમુખ શરદ પવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં પાર્ટી અધ્યક્ષ પદ છોડવાના તેમના નિર્ણય વિશે વાત કરી. આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, તેમણે ઘણા વર્ષો સુધી પાર્ટીના પ્રમુખ પદની જવાબદારી નિભાવી છે. હવે હું આ પદ પરથી નિવૃત્ત થવા માંગુ છું. હું ઈચ્છું છું કે કોઈ અન્ય વ્યક્તિ આ મહત્વપૂર્ણ હોદ્દાની જવાબદારી સંભાળે. છેલ્લા ઘણા સમયથી શરદ પવાર એવા સાંકેતિક નિવેદનો આપી રહ્યા હતા કે, એવું લાગી રહ્યું હતું કે તેઓ કંઈક નવું અને મોટું કરવા જઈ રહ્યા છે. મહાવિકાસ આઘાડીને લઈને પવારનું નિવેદન હોય કે રોટલી ફેરવવાની વાત હોય. પવારે પહેલેથી જ આનો સંકેત આપી દીધો હતો. જો કે, કોઈએ વિચાર્યું ન હતું કે શરદ પવાર એકાએક પાર્ટીનું પ્રમુખ પદ છોડવા અંગે આ નિર્ણય લેશે.
શરદ પવારના રાજીનામા સાથે જોડાયેલા સમાચાર બાદ એનસીપીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર એનસીપી અધ્યક્ષ જયંત પાટીલ ખૂબ જ ભાવુક જોવા મળ્યા. માઈક હાથમાં લઈને બોલતા બોલતા જયંત પાટીલની આંખોમાંથી આંસુ આવી ગયા. જયંત પાટીલે કહ્યું કે આ રીતે અધ્યક્ષ પદ છોડવાનો પવારનો નિર્ણય અમને જરાય પસંદ નથી. આ દરમિયાન પ્રફુલ પટેલ સહિત ઘણા નેતાઓએ કહ્યું કે, શરદ પવારે આ નિર્ણય પર વધુ એક વખત વિચાર કરવો જોઈએ.