મુંબઈ,મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે તાજેતરમાં એકનાથ શિંદેના એક પ્રધાને સૌથી મોટો દાવો કરતા કહ્યું હતું કે ઠાકરે જૂથ (ઉદ્ધવ ઠાકરે)માં બાકી રહેલા તમામ ૧૩ વિધાનસભ્ય એકનાથ શિંદેના સંપર્કમાં છે. આ સાથે ઉદય સામંતે દાવો કર્યો હતો કે એનસીપીના ૨૦ વિધાનસભ્ય અને કોંગ્રેસના નેતાઓ પણ શિંદે જૂથના સંપર્કમાં છે, તેથી રાજ્યમાં આગામી દિવસોમાં ઉથલપાથલ થાય તો નવાઇ થશે નહિ. આ સંજોગોમાં ઉદય સામંતે કરેલા સ્ફોટક નિવેદનથી નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઉદય સામંતે મોટો દાવો કરતા કહ્યું હતું કે ઠાકરે જૂથના બાકીના ૧૩ વિધાનસભ્ય મુખ્ય પ્રધાનના સંપર્કમાં છે. એની સાથે સાથે એનસીપીના ૨૦ વિધાનસભ્ય અને કોંગ્રેસના નેતાઓ પણ શિંદેના સંપર્કમાં છે. ખારઘરની ઘટના બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પદ પરથી હટાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને આ અંગે પૂછવામાં આવતા આ વિરોધીઓને આડે હાથે લીધા હતા. ઉદય સામંતે કહ્યું હતું કે સંજય રાઉત (શિવ સેનાના સાંસદ) દુનિયાના સૌથી બુદ્ધિશાળી અને વિદ્વાન વ્યક્તિ છે, તેથી જ મેં હવે તેમના વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે. તેમની સામે સ્પર્ધક તરીકે વિશ્ર્વમાં એક પણ વિદ્વાન બાકી નથી.
વિશ્ર્વના વિદ્વાનો કરતાં રાઉત પાસે સામાન્ય જ્ઞાન વધુ છે, તેમના વિશે શું કહેવું? આ અગાઉ ઉદય સામંતની ટીકા કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે સરકારી કાગળો બતાવીને બુદ્ધિમત્તા ન બતાવવી જોઈએ. તેને જવાબ આપતા ઉદય સામંતે આ નિવેદન આપ્યું છે. હાલમાં રાજ્યના રાજકારણમાં અનેક ઘટનાક્રમો બની રહ્યા છે. સંજય રાઉતે દાવો કરતા અગાઉ કહ્યું હતું કે મહારાષ્ટ્રને નવા મુખ્ય પ્રધાન મળશે પણ એ વાતને ખુદ શરદ પવારે પરોક્ષ રીતે ફગાવી હતી. બીજી બાજુ એનસીપીના નેતા અને વિપક્ષના નેતા અજિત પવારના નામની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ઉપરાંત, એનસીપીના અનેક કાર્યકરો દ્વારા રાજ્યભરમાં ‘અજિત દાદા ભાવિ મુખ્ય પ્રધાન’ સાથેના બેનરો પ્રદશત કરવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું.