ચંડીગઢ, હરિયાણામાં મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીની નિમણૂકને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પડકારવામાં આવી છે. હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવેલી આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થશે.
એડવોકેટ જગમોહન સિંહ ભાટીએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે નિયમો વિરુદ્ધ નાયબ સિંહની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હર શરણ વર્મા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને અન્ય મામલાઓને ટાંકીને અરજદારે જણાવ્યું હતું કે રાજ્યપાલ કલમ ૧૬૪ હેઠળ રાજ્ય વિધાનસભાની બહારના કોઈપણ વ્યક્તિને મંત્રી પદ પર નિયુક્ત કરી શક્તા નથી. સૈની હાલમાં સાંસદ છે અને તેથી તેઓ વિધાનસભાનો ભાગ નથી.
આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે હરિયાણા વિધાનસભામાં ૯૦ સીટો છે અને જો નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ સંખ્યા વધીને ૯૧ થઈ જશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સૈનીની નિમણૂક બંધારણીય નિયમોની અવગણના કરીને કરવામાં આવી છે. સૈનીની નિમણૂક કરવામાં આવી નથી પરંતુ સ્થાપિત કરવામાં આવી છે, જેણે બંધારણની ખુલ્લેઆમ મજાક ઉડાવી છે. આ પિટિશન હમણાં જ હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવી છે અને જો તેમાં કોઈ ટેકનિકલ વાંધો ન હોય, તો તે ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ શકે છે. અગાઉ ૨૦૧૯ માં, અરજદારે દુષ્યંત ચૌટાલાની હરિયાણામાં નાયબ મુખ્યમંત્રી પદ પર નિમણૂકને પણ પડકારી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.