અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આવેલા જશવંતગઢ ગામમાં 28 નવેમ્બરે નાયબ મામલતદારની માતાની હત્યા કરાઈ હતી. ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારાયા હતા. ઘરમાં એકલા હતા ત્યારે બનાવ બન્યો હતો. દરમિયાન પોલીસે 14 જેટલી ટીમો બનાવીને આરોપીને દબોચી લીધો છે. હત્યારો બીજું કોઈ નહીં, પરંતુ તેમનો જમાઈ જ છે. આરોપી ઘર પાસે જ બેઠો હતો અને બેસણામાંથી પોલીસે દબોચી લીધો હતો. આરોપીને પકડવા માટે પોલીસે આકાશપાતાળ એક કર્યુ હતું. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ બાઈક પર જતો આરોપી હોવાનું માનીને પોલીસે તપાસ કરી હતી અને એ બાઈક હત્યા થઈ ત્યાં ઘર સામે જ પડ્યું હતું.
પોલીસની અલગ અલગ ટુકડીઓએ અમરેલી તાલુકામાં ધામા નાખ્યા હતા. જેમાં આસપાસના વિસ્તાર અને ગામડાઓમાં 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી, જેમાં હત્યાના સમય ગાળાના ફૂટેજની ચકાસણી દરમિયાન જેમાં એક શંકાસ્પદ મોટરસાઇકલ જોવા મળી હતી, જેના આધારે તેમની ગતિવિધિ મૂવમેન્ટની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. તેના આધારે આરોપી નયનભાઈ તુલજાશંકર જોષી (ઉં.વ. 34) રે.બાવાના જાબુડા તાલુકો વિસાવદર જિ.જૂનાગઢને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપી જમાઈની પૂછપરછ કરતા જમાઈનો પત્ની સાથે અવારનવાર ઘરકંકાસ થતો હતો, જેના કારણે પોતાની પત્ની અવારનવાર રિસામણે જતી રહેતી હતી. મૃતક સાસુ પત્નીને ચઢામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાનું આરોપી જમાઈ માની રહ્યો હતો. જેના કારણે સાસુને મારી નાંખવાનું આયોજન કરી તારીખ 28-11-2024ના રોજ પત્નીને વાડીએ જવાનું કહી તીક્ષ્ણ હથિયાર ધારીયું લઈ મોટર સાઇકલ લઈ જશવંતગઢ આવ્યો હતો. તે સમયે પોતાનું મોઢું ન દેખાય તે માટે ચહેરા ઉપર રૂમાલ બાંધી, માથા પર ટોપી પહેરી બાઇકના નંબરમાં છેડછાડ કરી નીકળ્યો હતો. સાસુ એકલા હતા, તેવા સમયે ધારીયા વડે મૃતક પ્રભાબેનને આડેધડ ઘાતક રીતે ગળામાં માર મારી 90% જેટલું ગળું કાપી નાખી હત્યા કરી દીધી હતી.
પ્રભાતબેન તેરૈયા ઘરે એકલા હતા તેનો લાભ લઇને અજાણ્યા શખ્સ દ્વારા ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવા પ્રથમ અમરેલી તાલુકા પોલીસ ગુન્હો નોંધી શોધખોળ કરતી હતી, પરંતુ પરિવાર અથવા અન્ય કોઈ રીતે કડીઓ નહીં મળી અને હત્યાનો ભેદ ઉકેલવો પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી. આ આખી ઘટનામાં પોલીસથી ભેદ ઉકેલાતો ન હોવાની માહિતી અમરેલી SP હિમકરસિંહ સુધી પહોંચી. SPએ ભેદ ઉકેલવા માટે બધા જ કામો સાઈડમાં મૂકી દીધા અને હત્યાનો ભેદ ઉકેલવા માટે કમાન સંભાળી હતી. જિલ્લાભરમાંથી અલગ અલગ પોલીસ અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરી 14 ટીમો બનાવી કુલ 200 જેટલા પોલીસકર્મીઓની ફોજ હત્યારાને શોધવા માટે કામે લગાડી સમગ્ર ઓપરેશન શરૂ કર્યું તેનું સીધું સુપર વિઝન એસપી કરી રહ્યા હતા.
હત્યાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાભરના અધિકારીઓ કામે લાગ્યા હતા. અમરેલી SP હિમકર સિંહના સીધા સુપરવિઝન હેઠળ ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈ, એલસીબી પી.આઈ.અલ્પેશ પટેલ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરી, અમરેલી રૂલર પી આઈ.કે.બી.જાડેજા, મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.જે.આર.સરવૈયા, જાફરાબાદ ટાઉન પી.આઈ. જે.આર.ભાચકન, લીલીયા પી.આઈ.આઈ.જે.ગિડા, ચલાલા પીએસઆઈ એ.ડી.ચાવડા,એલસીબી પી.એસ.આઈ. કે.એમ.પરમાર, એલ.સી.બી. એસ.આર.ગોહિલ, પી.એસ.આઈ.એમ.બી.ગોહિલ, રાજુલા પી.એસ.આઈ.કે.ડી.હડીયા,સાવરકુંડલા પી.એસ.આઈ. બી.પી.પરમાર, વંડા પી.એસ.આઈ. પી.ડી.ગોહિલ, ખાંભા પી.એસ.આઈ.આર.જી.ચૌહાણ, સહિત સર્વેલન્સ ટીમોને હત્યાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે.