નવાબ મલિક સામે એટ્રોસિટીનો ગુનો નોંધવા સેશન્સ કોર્ટનો આદેશ

મુંબઈ,

એનસીપીના નેતા અને માજી પ્રધાન નવાબ મલિક હાલ મની લોન્ડરિંગ પ્રકરણે જેલમાં છે ત્યારે તેમની મુશ્કેલી વધે એવા સમાચાર આવ્યા છે. મલિક વિરુદ્ધ એટ્રોસિટી કાયદા હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ વાશિમની કોર્ટે પોલીસને આપ્યો છે. એનસીબીના મુંબઈ ઝોનલ માજી ડિરેક્ટર સમીર વાનખેડેએ કોર્ટમાં અરજી કરી હતી.આ અરજી પ્રકરણે કોર્ટે આદેશ આપ્યો છે.

વાનખેડે જ્યારે મંંબઈ એનસીબીના ઝોનલ ડિરેક્ટર હતા ત્યારે તેમણે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનને ક્રૂઝ ડ્રગ પાર્ટી પ્રકરણે પકડયો હતો. આ પ્રકરણે નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ કર્યા હતા. એનસીબી અધિકારીઓએ કાર્યવાહીનું નાટક કર્યાનો આરોપ પણ કર્યો હતો.

મલિકે વાનખેડેને લઈને અનેક દાવા કર્યા હતા. ખાસ કરીને તેણે સમીર વાનખેડેના અંગત જીવન સંબંધી દાવા કર્યા હતા. વાનખેડેના જૂનાફોટા અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યા હતા. પહેલા લગ્નની તસવીરો પણ શેર કરી હતી. વાનખેડેએ જાતીનું કોટું પ્રમાણપત્ર વાપરીને નોકરી મેળવી હોવાનો આરોપ કર્યો હતો.

મલિકે પોતાના પરિવારની બદનામી કરી હોવાનો વાનખેડેએ આરોપ કરીને વાશીમ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમા ંતેમણે મલિક વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ દાખલ કરવાની માગણી કરી હતી.

દરમ્યાન મલિકે અંડરવર્લ્ડ ડોવન દાઉદ ઈબ્રાહિમ સાથે સાઠગાંઠ પ્રકરણમાં કરેલી જામીનની અરજી વિશેષ કોર્ટે ૨૪ નવેમ્બરે સાંભળવાનો નિર્ણય કર્યો છે. મલિક અને ઈડીની વિસ્તૃત દલીલ સાંભળ્યા બાદ વિશેષ કોર્ટે ૨૪ નવેમ્બર પર નિર્ણય રાખી મૂક્યો છે. મલિકે જુલાઈ મહિનામાં નિમિત અરજી કરી હતી. પોતાની સામે આ સિવાઈ કોઈ અન્ય ગુનો નથી, એવો દાવો અરજીમાં કર્યો હતો. હાલ મલિક અદલાતી કસ્ટડીમાં છે અને તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે