નવ્યા નંદાને ડેટ કરવાની વાત પર સિદ્ધાંતે કહ્યું કાશ, આ વાત સાચી હોત


મુંબઇ,
બોલિવુડમાં અવારનવાર કોઈક ને કોઈકના લિંકઅપ અને બ્રેકઅપના સમાચાર આવતા જ રહે છે. હાલમાં જ બોલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યાના લિંકઅપના સમાચાર આવ્યા છે. બોલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનું નામ છેલ્લાં કેટલાક સમયથી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમા જ બંનેના લિંક-અપના સમાચાર પણ આવ્યા હતા પરંતુ, બંનેમાંથી કોઈએ પણ આ સમાચાર પર રિએક્શન આપ્યું ન હતું. જોકે, હવે એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સિદ્ધાંત ચતુર્વેદીએ નવ્યા નવેલી નંદા સાથે અફેરના સમાચારો પર મૌન તોડ્યું હતું.

જ્યારે સિદ્ધાંત ચતુર્વેદીને પૂછવામાં આવ્યું કે, હાલના સમયમાં તેણે પોતાના વિશે કઈ અફવા સાંભળી છે તો તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, એ જ કે હું કોઈકને ડેટ કરી રહ્યો છું. કાશ, આ વાત સાચી હોત. સિદ્ધાંતના આ જવાબથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે તે હાલના સમયમાં સિંગલ છે અને નવ્યાને ડેટ કરવા માંગે છે. સિદ્ધાંત અને નવ્યાના અફેરના સમાચાર ત્યારે આવવાના શરૂ થયા હતા, જ્યારે બંને ચૂપચાપ વેકેશન પર જતા જોવા મળ્યા હતા.

નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીને ઘણા પ્રસંગોએ સાથે સ્પોટ કરવામાં આવી ચુક્યા છે. બંનેને થોડાં દિવસો પહેલા જ કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પણ એક સાથે જોવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, હાલમાં જ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પણ બંને પહોંચ્યા હતા, ત્યારે પાપારાઝીએ સિદ્ધાંતને ચીડવતા કહ્યું હતું કે, નવ્યાજી આવી રહી છે, થોડીવાર થોભી જાઓ. તેમજ, જ્યારે નવ્યા આવી ત્યારે પાપારાઝીએ કહ્યું હતું, અરે નવ્યાજી કોઈક તમારી રાહ જોઈ રહ્યું હતું.

નવ્યા નવેલી નંદાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે અને તે અવારનવાર પોતાના ફેન્સની સાથે ઈન્ટરેક્ટ કરતી રહે છે. નવ્યા, અમિતાભ બચ્ચનના સિનેમાના કરિયરના પગલાં પર ચાલવાને બદલે ફેમિલીનો બિઝનેસ સંભાળી રહી છે. આ સાથે જ તે એક ઓનલાઈન હેલ્થકેર પ્લેટફોર્મ આરા હેલ્થની ફાઉન્ડર છે.

તેમજ સિદ્ધાંત ચતુર્વેદીની વાત કરીએ તો તેણે ૨૦૧૯માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ગલી બોય’ દ્વારા બોલિવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘બંટી ઓર બબલી ૨’, ‘ગેહરાઈયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.