- હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી ૧૫૬ સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે અત્યારસુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ ૨૦૨૪માં આવનારી લોક્સભા ચૂંટણી. વર્ષ ૨૦૧૯ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ ૨૬ લોક્સભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોક્સભા ચૂંટણીને અનુલક્ષીને જ ૧૧ કેબિનેટ અને ૧૪ રાજ્યકક્ષાના મળીને ૨૫ જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.
ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. જોકે હાલ માત્ર ચર્ચાનો દૌર એ છે કે ભાજપના વિજેતા ઉમેદવારો પૈકી મંત્રીપદ માટે સક્ષમ ચહેરો કોણ છે ? કોણ છે કે મંત્રીપદની ગાદી શોભાવશે ? દિવ્ય ભાસ્કર પાસે વિજેતા ઉમેદવાર પૈકી મંત્રીપદ માટે જે લોકો પ્રબળ દાવેદાર છે એવાં કેટલાંક નામો સામે આવ્યાં છે. ગુજરાત રાજ્યની નવી સરકારના વિધાનસભા મંડળમાં કયા કયા ચહેરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે એવાં કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં અગાઉ ભાજપની સરકાર દરમિયાન મંત્રી પદ ભોગવી ચૂકેલા અનેક એવા નેતાઓ છે જેમને વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે. એવા તમામ ધારાસભ્યો કે જેઓ અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે તદ્ઉપરાંત અનુભવી પણ છે તે પૈકીના અનેક લોકોનો કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે. એમ નથી કે માત્ર પાટીદાર અને ઓબીસી સમાજ થકી જ સરકારના મંત્રીઓ નક્કી કરાશે. ભાજપ પોતાના આ પસંદગી સમીકરણમાં અન્ય સમાજના સમીકરણને પણ બરાબર યાને રાખશે. જ્ઞાતિ આધારે સમીકરણો ની સમતુલા જાળવવા ભાજપ પૂરતો પ્રયાસ કરશે અને એક નવા મંત્રી મંડળની રચના કરશે.
સંભવિત કેબિનેટ મંત્રીઓમાં શંકર ચૌધરી,ૠષિકેશ પટેલ,પૂર્ણેશ મોદી, રાધવજી પટેલ,કનુ દેસાઇ, કિરીટ સિંહ રાણા, શંભુનાથ ટુંડીયા, ગણપત વસાવા,જયશે રાદડીયા, કુંવરજી બાવળિયા,જીતુ વાઘાણી, શૈલેશ ભાભોર,બચુ ખાબડનો સમાવેશ થઇ શકે છે. જયારે સંભવિત રાજયમંત્રીઓમાં જગદીશ વિશ્ર્વર્મા,અમિત ઠાકર,હર્ષ સંધવી,અલ્પેશ ઠાકોર,મોહન ઢોડીયા,આર સી પટેલ,જેવી કાકડીયા,અક્ષય પટેલ રીવાબા જાડેજા,માલતી મહેશ્ર્વરી અને દર્શના દેશમુખનો સમાવેશ થાય તેવી સંભાવના છે. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીના પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઇ વોરા છે કેમ કે રમણલાલ વોરા અગાઉ પણ વિધાનસભા સ્પીકર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ વિધાનસભા ગૃહ ચલાવવાની નીતિ-રીતિથી તેઓ સંપૂર્ણપણે વાકેફ છે એટલે આ જ કારણોસર ભાજપ રમણલાલ વોરાને એક વખત ફરીથી અયક્ષ તરીકેની જવાબદારી સોપી શકે છે. વિધાનસભામાં અત્યાર સુધી શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે નડિયાદ બેઠકના પંકજ દેસાઈ જવાબદારી નિભાવતા જોવા મળ્યા છે પરંતુ નવા રચાનારા મંત્રી મંડળ દરમિયાન શાસક પક્ષના મુખ્ય દંડક સહિત દંડક અને નાયબ દંડકની નિમણૂંક કરાઈ શકે છે. આ જવાબદારી અનુક્રમે જેઠા ભરવાડ અને ભરત પટેલને સોંપાય તેવી સંભાવના છે.સંત સવૈયાનાથ ઝાંઝરકા ધામના મહંત શંભુનાથ ટુંડિયા અગાઉ વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૨૦ દરમિયાન રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તેમનો રાજકીય પ્રવાસ થવાને કારણે અન્ય વિસ્તારમાં રહેતા દલિત સમાજના લોકો સાથે પણ ગાઢ સંપર્ક ધરાવે છે. આ ઉપરાંત ઝાંઝરકા ધામના મોટી સંખ્યામાં ભક્તો દેશ-વિદેશમાં રહેતા હોવાને કારણે જો શંભુનાથ ટુંડિયાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવે તો આગામી લોક્સભા ચૂંટણી દરમિયાન ભાજપને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફાયદો થઈ શકે છે.