સવારથી વરસાદે પોતાની નજર નવસારી પર નાખી છે. જેમાં નવસારી તાલુકાના વાંસદા તાલુકામાં ૪ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે. નદીઓના જળસ્તર ઊંચા થતા જઈ રહ્યા છે, લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પૂર્ણા નદીના પૂરથી નવસારી વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
નવસારીમાં આજે વરસાદથી થોડી રાહત મળી છે. બચાવ ટુકડીએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પાલિકાઓ ફેલાયેલી ગંદકીને દૂર કરવામાં લાગી ગઈ છે. નવસારીમાં એક જ મહિનામાં ત્રણ વખત પૂર આવતા લોકો જીવના જોખમે ધંધા-નોકરી માટે પાણીમાંથી જઈ રહ્યા છે. ભેંસત ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે. હાલ ધીમી ધારે વરસાદથી પાક સારો થાય તેમ જણાઈ રહ્યું છે. જગતના તાતના ચહેરા પર ખુશી જોવા મળી છે.
બીજી બાજુ નવસારીનો રંગુન નગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પૂર્ણા નદી ગાંડીતૂર બનતા નદીના પાણી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો જીવના જોખમે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. ગણદેવી તાલુકાની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. પૂર્ણા અને અંબિકા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે બંને તાલુકાના અનેક રસ્તાઓ બંધ થયા છે. નવસારીના જકાતનાકે ભુવો પડતા લોકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. વાંસદા તાલુકામાં સવારથી વરસાદ વરસતા લોકો ફરવા બહાર નીકળી રહ્યા છે.