નવસારીના આરક સિસોદ્રા ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા, ખોટા બિલ અને વાઉચર બનાવી નાણાકીય ગેરરીતિ આચર્યાનો આક્ષેપ

નવસારી,

જલાલપોર તાલુકામાં આવેલું આરક અને રણોદ્રા સંયુક્ત જૂથ ગ્રામ પંચાયત ધરાવે છે, ગામના મહિલા સરપંચ શમષ્ઠાબેન રાઠોડ દ્વારા ૨૯ લાખ રૂપિયાની નાણાંની ઉચાપતના આક્ષેપો થયા હતા. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચેલી ફરિયાદ મામલે તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં નાણાકીય ઉચાપતનો અહેવાલ રજૂ થતાં ગુજરાત પંચાયત એક્ટ મુજબ ડીડીઓએ મહિલા સરપંચના સસ્પેન્શનનો ઓર્ડર કર્યો હતો.

ગામના વિકાસ માટે આવનારી ગ્રાન્ટમાંથી ખોટા બીલો અને વાઉચરો રજૂ કરીને ૨૯ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નવસારી જિલ્લા વિકાસ અધિકારીને ગામના લોકો દ્વારા આપવામાં આવી હતી. જે સંદર્ભે તપાસના આદેશ બાદ સરપંચને આજે એમના હોદ્દા પરથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરક અને રણોદરા જૂથ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના લોકો દ્વારા છ મહિના પહેલા સરપંચ શમષ્ઠાબેન રાઠોડ પર ગામના વિકાસના કામો ઉપર બ્રેક લગાવવી હોય અને વિકાસલક્ષી કામો ના થતા હોય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ગામસભાના પણ એજન્ડા ગામમાં ન ફેરવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલાને લઈને રિપોર્ટ સોંપ્યો હતો. આઠ પાનાના રિપોર્ટમાં પુરવાર થયું છે કે, નાણાકીય ગેરરીતિ થઈ છે અને ૨૯ લાખ રૂપિયાના ખોટા બિલો અને વાઉચરો બનાવી આ ગેરરીતિ આચરી હોવાનું રિપોર્ટમાં સામેલ થયું છે. સમગ્ર મામલાને લઈને જ્યારે સરપંચને સવાલો કરવામાં આવ્યા ત્યારે સરપંચ દ્વારા આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને ખોટી રીતે રાજકારણમાં ફસાવ્યા હોવાની વાત કરવામાં આવી હતી.