નવસારીમાં રિક્ષાચાલકે મૂળ માલિકને ૪ લાખની મતા ધરાવતું પાકીટ પરત કર્યું

નવસારી, મનુષ્યના જીવનના લાલચ અને માનવતા એમ બે પાસા હોય છે. આ બંને પાસાઓની વચ્ચે સમગ્ર મનુષ્ય જીવન ઝોલા ખાઈ રહ્યું છે. ઘણા લોકોએ માનવતાને નેવે મૂકી છે, તો ઘણા લોકોએ ઘોર કળિયુગમાં પણ માનવતા જીવંત રાખી છે, માનવતાનું એક ઉદાહરણ નવસારી શહેરમાંથી સામે આવ્યું છે. નવસારીના એક ગરીબ રિક્ષાચાલકે આ માનવતાનું કાર્ય કર્યું હતું અને માનવતાની સુવાસને મહેકાવી હતી.

મળતી વિગતો મુજબ, ૨૯મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે બોરીવલી ખાતે રહેતાં બીજલબેન પટેલ નામના મહિલા નવસારી રેલવે સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને તેમણે રેલવે સ્ટેશનથી પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ, તેમને ખબર પડી હતી કે, તેમનું સોનાના દાગીના સહિત લગભગ ૪ લાખની મતા ધરાવતું પાકીટ રિક્ષામાં જ રહી ગયું છે.

બીજલબેને તાત્કાલિક નવસારી ઓટો રિક્ષા એસોસિયેશનના પ્રમુખ ગણેશ મરાઠી તેમજ ઉપપ્રમુખ રાજેશ ઠાકુરનો સંપર્ક કર્યો હતો. રિક્ષા એસોસિએશન અને પોલીસની મદદથી નવસારી ખાતે જીજે-૨૧-૮૯૬ નંબરની રિક્ષા ચલાવતા રિક્ષાચાલક સંદીપભાઈની શોધ કરવામાં આવી હતી. રિક્ષાચાલક દ્વારા આ લાખો રૂપિયાના સોનાના દાગીનાથી ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. પોલીસ અને રિક્ષાચાલકના સહયોગ વડે આ પાકીટ મૂળ માલિકને પરત કરવામાં સફળતા મળી હતી.

પાકીટના મૂળ માલિક બીજલ બહેન દ્વારા નવસારીના રિક્ષાચાલકોની ઈમાનદારીને અભિનંદન આપવામાં આવ્યા હતા અને એક સામાન્ય ગરીબ રિક્ષાચાલકની આ પ્રકારની માનવતા અને ઈમાનદારીને સૌએ બિરદાવી હતી. આમ, નવસારીના સામાન્ય રિક્ષાચાલકે માનવતાની મહેકને પ્રજ્વલિત કરી હતી