
નવસારી,
નવસારીના બીલીમોરામાં એક આઈસ ફેકટરીમાં ગેસ લીકેજ થવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બીલીમોરાના સરદાર માર્કેટ નજીક આવેલી હરિસિદ્ધિ આઈસ ફેકટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે.

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના બીલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થવાથી ૪૦થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્ર્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની છે તેની પ્રાથમિક માહિતી હાલ જાણી શકાઈ નથી પણ આ મામલે વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.