નવસારી, નવસારી જીએસટી વિભાગે બોગસ બિલિંગના મામલે નવસારીમાં દરોડા પાડ્યા છે. હાલમાં જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેના અનુસંધાનમાં જ નવસારીમાં દરોડા પાડવામાં આવ્યા છે. નવસારીમાં જીએસટી વિભાગના દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવસારીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ ચાલતું હોવાનું જીએસટી વિભાગ માને છે. બોગસ બિલિંગ દ્વારા આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
જીએસટી વિભાગની દરોડાની કાર્યવાહી ફક્ત નવસારી પૂરતી જ સીમિત નથી. મરોલી પંઠકમાં પણ જીએસટી વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા છે. ગુપ્તા ટ્રાન્સપોર્ટ પર જીએસટી ટીમ ત્રાટકી છે. જીએસટીના અધિકારીઓની ટીમ છેલ્લા પાંચ કલાકથી ત્યાં સર્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યભરમાં સ્ટેટ જીએસટીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરોડાના પગલે અત્યાર સુધીમાં આઠ કરોડ રૂપિયાથી પણ વધારે રકમની કરચોરી પકડાઈ છે.
રાજ્યમાં જીએસટીને લઈને મોટાપાયા પર બોગસ બિલિંગ કરવામાં આવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે. તેને ધ્યાને રાખીને જીએસટી વિભાગે આ કાર્યવાહી આરંભી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં પણ જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બોગસ બિલિંગના કૌભાંડને લઈને આ તપાસ આદરવામાં આવી છે. અંદાજે ૪૦થી વધારે જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેના પગલે કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થયો છે. હજી પણ કાર્યવાહી ચાલુ જ છે. તેથી જીએસટી વિભાગને આશા છે કે હજી પણ કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ શકે છે.