આસો નવરાત્રિને લઈને પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવનારા લાખો દર્શનાર્થી ભક્તો સરળતાથી ડુંગર ઉપર અવર જવર કરી શકે તે માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન 50 એસટી બસ સતત યાત્રાળુઓને તળેટીમાંથી ડુંગર ઉપર લઈ જશે અને નીચે ઉતારશે અને આ માટે 20 જેટલી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર હોવાની એસટી વિભાગના ગોધરા વિભાગીય નિયામક દ્વારા જાણકારી આપવામાં આવી છે.
આવતીકાલે આસો નવરાત્રિની શરૂઆત થશે ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટરે શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ઘસારો ધ્યાનમાં લઈને તમામ વાહનોને પાવાગઢમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પાવાગઢમાં પ્રવેશના હાલોલ રોડ ઉપરના ટીમ્બી ચેક પોસ્ટ અને બોડેલી રોડ તરફ ધનકુવા ચેક પોસ્ટની વચ્ચે પાવાગઢ બાયપાસ ઉપર ત્રણ ચેક પોસ્ટ મળી પાંચ પોઇન્ટ ઉપર બેરીકેટિંગ કરી તળેટીમાં પાર્કિંગની વ્યવસ્થા ફૂલ થાય ત્યાં સુધી વડા તળાવ પોઇન્ટ ઉપરથી જ વાહનોની અવરજવર ચાલુ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. પાર્કિંગ ફૂલ થઈ ગયા પછી તમામ વાહનોને વડા તળાવ ખાતે આવેલ પંચ મહોત્સવ સાહેબ ખાતે પાર્કિંગ કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
આ જાહેરનામાને ધ્યાને રાખી ગોધરા એસટી વિભાગ દ્વારા ત્રણ જિલ્લામાંથી અધિકારીઓ, સુપરવાઇઝર્સ સહિત 200 જેટલા કર્મચારીઓના સ્ટાફને નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ફરજ બજાવવા મુકવામાં આવ્યો છે, અને યાત્રાળુઓની સુવિધા માટે 50 એસટી બસ સતત પાવાગઢ તળેટી માચીની વચ્ચે દોડાવવામાં આવશે અને જરૂરિયાત જણાય તો જો વધારે બસો દોડાવવાની થાય તે સ્થિતિ માટે 20 જેટલી બસોને પાવાગઢ ડેપો ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર હોવાની જાણકારી ગોધરા વિભાગીય નિયામક બી.આર.ડીંડોરે આપી છે. મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી વિભાગની મેકેનિકલ ટીમ તેમજ ક્રેનને પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવશે અને ઈન્ટરનેટની સુવિધાના અભાવે વોકિટોકીની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.
જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી આ તમામ પાંચ પોઇન્ટો ખાનગી વાહનો માટે બંધ કરવાની જાહેરાત કરાયા પછી તળેટી અને માચી ખાતે ના પાર્કિંગ ફૂલ થઈ જાય તે સ્થિતિ માં તમામ ખાનગી વાહનો ને વડા તળાવ પંચ મહોત્સવ સાઇટ ખાતે પાર્કિંગ કરાવવાના થાય તે સ્થિતિમાં તળેટીથી તે જગ્યા 4 km થી વધુ અંતર ના આવેલી હોઈ યાત્રાળુઓ એ ત્યાં થી એસટી બસ પકડવા ચાલીને આવવાનું કે તે માટે વડા તળાવ થી માચી સુધી એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવનાર છે તે અંગે વિભાગીય નિયામક દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ અંગે હાલોલ પ્રાંત અધિકારી ને પૂછતાં તેઓ પાસે પણ આ અંગે કોઈ જાણકારી ન હતી.
એસટી વિભાગ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી એસટી બસ ને પાવાગઢ ન રાખતા વડા તળાવ ખાતે રાખવામાં આવે અથવા દર અડધો કલાકના અંતરે એક બસ વડા તળાવથી માચી ખાતે દોડવાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે તે જરૂરી છે, જો તેમ કરવામાં ન આવે તો મહાકાળી માતાજીના દર્શને આવતા વૃધ્ધો, બાળકો અને મહિલાઓ યાત્રાળુઓ એ લાબું અંતર ચાલીને કાપવું પડે એ સ્થિતિમાં ચેક પોસ્ટ ઉપરના પોલીસ કર્મચારીઓ સાથે યાત્રિકોનું ઘર્ષણ થાય તે સ્થિતિ પણ ઉભી થઇ શકે એમ છે.