નવરાત્રીના તહેવાર વચ્ચે પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ૨ વ્યક્તિના હાર્ટ ઍટેકથી મોત

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ ઍટેક ના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટઍટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આ દરમિયાન 24 કલાકમાં હાર્ટ ઍટેક ને કારણે બે વ્યક્તિના મોત નિપજ્યાંનું સામે આવ્યું છે. વિગતો મુજબ પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત તો પ્રાંતિજમાં પણ એક યુવકનું હાર્ટ ઍટેક થી મોત થયું છે. 

પાટણમાં નવરાત્રીના તહેવાર વચ્ચે વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. 56 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિજનો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા. 

આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું છે. વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળને અચાનક હાર્ટ ઍટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. આ તરફ વિષ્ણુભાઈ રાવળના હાર્ટ ઍટેકથી મોત બાદ પરિવારજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

નોંધનીય છે કે, તાજેતરમાં જ  રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.  યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ ઍટેક જણાવ્યું છે.