નવરાત્રી આવતા જ બજારમાં દાંડિયાની અવનવી વેરાયટી આવી

અમદાવાદ, નવરાત્રી માં વેસ્ટન કલ્ચર આવવાથી યુવા વર્ગ ડીજે અને ડાન્સથી ગરબા રમતા થઈ ગયા છે. જો કે હવે ફરીથી લુપ્ત થયેલા ડાંડીયાની અનેક વેરાયટી આવવાથી દાંડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં ઝૂમવા માટે ખેલૈયાઓનો થનગનાટ વધી ગયો છે.અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચણીયા ચોલી, કેડિયા, ટ્રેડિશનલ જ્વેલરીની સાથે સાથે દાંડિયાની પણ ખૂબ ખરીદી થઈ રહી છે.

આ વખત ખેલૈયોના હાથમાં રંગબેરંગી દાંડીયા તેમજ ટ્રેન્ડી દાંડિયા જોવા મળશે. પહેલા લાલ ગુલાબી લીલા કલરના સાદા દાંડિયા જોવા મળતા હતા. જો કે આ વખત દાંડિયામાં નવી નવી વેરાઈટી આવી રહી છે.

નવા રંગ રૂપ સાથે દાંડિયાની અનેક વેરાઈટીઓ માર્કેટમાં જોવા મળે છે. રાજા-રાણી દાંડીયા, સ્ટીલના બેરિંગ વાળા દાંડિયા, લાઈટ વાળા દાંડિયા, વિવિધ લેસ લગાવેલા દાંડિયા, એલ્યુમિનિયમના દાંડિયાની ખરીદી યંગસ્ટર કરી રહ્યા છે.

મેચિંગ કલર મોતી અને ટિક્કી વર્કના દાંડિયા સહિત વિવિધ પ્રકારના દાંડિયાની કિંમત ૪૦ રુપિયાથી લઈને ૨૦૦ રૂપિયા સુધીની છે. દાંડિયાની ખરીદીમાં પહેલા કરતા વિવિધ વેરાઈટીઓ આવવાથી ખરીદીમાં વધારો થયો છે.અમદાવાદમાં ગરબામા મોટા મોટા આયોજનમાં દાંડિયાનું આયોજન હોતુ નથી.જો કે કોરોના પછી શેરી ગરબાઓ વધુ થવાથી શેરીઓમાં દાંડિયા-રાસનો ખૂબ ક્રેઝ છે. જેથી દાંડિયાની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે.