નવરાત્રિના પહેલાં જ દિવસે ટ્રાફિકજામે ખેલૈયાનો ઉત્સાહ માર્યો : વૈષ્ણોદેવીથી ઓગણજ સુધી 1 કિમી વાહનોની લાંબી લાઈનો

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા દિવસે જ અમદાવાદના એસ.પી. રિંગ રોડથી લઈને વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ સુધી ટ્રાફિકજામનો નજારો જોવા મળ્યો હતો. લગભગ અડધો કિલોમીટર સુધી વાહનોના જ થપ્પા લાગ્યા. સર્વિસ રોડ અને રીંગરોડ બંને ઉપર ટ્રાફિકજામ થયો હતો. ઓગણજ સર્કલ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં રમવા જનારા ખેલૈયાઓને ટ્રાફિકજામના કારણે પોતાના વાહનો બે કિલોમીટર દૂર મૂકી અને ચાલતા ચાલતા પાર્ટી પ્લોટ સુધી જવાની ફરજ પડી.

એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી લઇને ઓગણજ અને ભાડજ સુધીમાં 15થી 20 જેટલા પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આજે નવરાત્રિના પહેલા જ દિવસે સરદાર પટેલ રિંગરોડ પર અડધો કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો છે. ઓગણજ નજીક ઉમિયા ફાર્મથી ટોલટેક્સ સુધી ભારે ટ્રાફિક જામમાં લોકો અટવાયા હતા. સર્વિસ રોડ ઉપર પણ વાહનો જતા હતા. સર્વિસ રોડ અને રીંગરોડ બંને ઉપર ટ્રાફિકજામ થયો હતો. ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છે.

અમદાવાદમાં આજે નવરાત્રિના પહેલા જ દિવસે રાતે ખેલૈયા ટ્રાફિકમાં ફસાયા છે. સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે બે કલાકથી ભારે ટ્રાફિકજામ થયો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રે રીંગરોડ ઉપર ક્યાંય પણ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે કોઈ આયોજન કરવામાં ન આવતા પહેલા જ દિવસે હજારો ખેલૈયાઓ ટ્રાફીકમાં ફસાયેલા છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનને લઈ રાત્રે રોડ ઉપર પોલીસ અને ટ્રાફિક પોલીસ હાજર રહેશે એવી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ, સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે લોકો ત્રણ કલાક ટ્રાફિકમાં ફસાયા છે. પોલીસના અણઘડ આયોજનથી પહેલા જ દિવસે ખેલૈયાઓ હેરાન પરેશાન થયા છે. ઓગણજ સર્કલ નજીક આવેલા પાર્ટી પ્લોટમાં રમવા જનારા ખેલૈયાઓને ટ્રાફિકજામના કારણે પોતાના વાહનો બે કિલોમીટર દૂર મૂકી અને ચાલતા ચાલતા પાર્ટી પ્લોટ સુધી જવું પડ્યું છે.

સરદાર પટેલ રિંગરોડ પર છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિકજામ હોવાના કારણે ખેલૈયાઓ અટવાયા છે. વાહનોની લાંબી લાઈન વચ્ચે ફસાઈ ગયા હોવાથી ખેલૈયાઓ હજી સુધી પાર્ટી પ્લોટમાં પહોંચી શકતા નથી. ઓગણજ સર્કલથી ભાડજ તરફ આવેલા પાર્ટી પ્લોટમાં જવા માટે લોકો એસ.જી. હાઇવેથી સાયન્સ સીટી રોડ ઉપર થઈ અને ભાડજ તરફ જઈ શકે છે. વૈષ્ણોદેવી સર્કલથી ભાડજ તરફ જવા માટે ટ્રાફિક હોવાથી લોકો અવરજવર કરી શકતા નથી. બીજી તરફ ઓગણજ ગામથી રીંગરોડ તરફ આવનારા લોકો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે.