નવનીત રાણા સામે કાર્યવાહી નહીં કરનારી પોલીસ પર કોર્ટની નારાજગી

મુંબઈ,
બોગસ જાતિ પ્રમાણપત્ર પ્રકરણે સાંસદ નવનીત રાણા વિરુદ્ધ કાર્યવાહી થતી ન હોવાથી મુંબઈની શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. રાણા સામે આ પ્રકરણે કાર્યવાહી કરવા મુલુંડ પોલીસ સ્ટેશનના આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટરે સમય માગ્યો હતો. આથી કોર્ટ નારાજ થઈને પોલીસને સવાલો કર્યા હતા. કોર્ટના આદેશનું પાલન થતું હોવાનું જણાતું નથી, એમ કહીને કાર્યવાહી કેમ થતી નથી? આરોપી મહારાષ્ટ્રમાં જ છે ? એવો સવાલ કોર્ટે પોલીસને કર્યો હતો. કોર્ટે આગામી સુનાવણી ૨૮ નવેમ્બર પર રાખી છે.

જાતિ પ્રમાણુત્ર માટે સ્કૂલ લિવિંગ સટફિકેટ બનાવટી આપ્યાનો આરોપ નવનીત રાણા પર લગાવાયો છે. નવનીત રાણાના પિતાએ છેતરપિંડી કરીને પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો છે. રાણા અને તેમના પિતા સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવનીત રાણા અને તેમના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દરમ્યાન આ પ્રકરણે નવનીત રાણા સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરાયું છે. શિવડી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વોરન્ટને લઈને મુલુંડ પોલીસને કાર્યવાહીનો આદેશ જારી કર્યો છે. નવનીત રાણાએ સેશન્સ કોર્ટમાં વોરન્ટ સામે અરજી કરી હતી. આ અરજી હજી પ્રલંબિત છે. સેશન્સ કોર્ટે હજી સ્થગિતી આપી નહોવાથી શિવડી કોર્ટે પોલીસને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે, પણ હજી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી અને સમય માગતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

અમરાવતીના સાંસદ નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રને હાઈ કોર્ટે આઠ જૂન ૨૦૨૧ના રોજ રદ કર્યું હતું અને રૃ. બે લાખનો દંડ ફટકાર્યો હતો. હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ૨૨ જૂન ૨૦૨૧ના રોજ સુપ્રીમ કોર્ટે નવની રાણાને રાહત આપીને હાઈ કોર્ટના આદેશને સ્થગિતી આપી હતી