નવજોત સિંહ સિદ્ધુ ફરી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યા, લોક્સભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરે

  • સિધુએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારપછી તેઓ પોતાની આથક સ્થિતિને ટાંકીને આઇપીએલમાં જોડાયા હતા.

ચંડીગઢ, પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુના ઘરે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ અને તેમના જૂથના નેતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરશે નહીં અને કોઈ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવારનો સાથ આપશે નહીં. આ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શમશેર સિંહ દુલ્લો, પૂર્વ ધારાસભ્ય નઝર સિંહ માનશાહિયા, જગદેવ સિંહ કમલુ, મહેશ ઈન્દર સિંહ અને ભટિંડા ગ્રામીણ કોંગ્રેસના પ્રભારી હરબિંદર લાડી સહિત ઘણા કોંગ્રેસી નેતાઓ હાજર હતા.

આ બેઠકમાં નક્કી થયું કે જ્યારે પાર્ટીને જરૂર હોય છે ત્યારે તે નવજોત સિંહ સિદ્ધુને યાદ કરે છે પરંતુ ચૂંટણી પછી તેમની અવગણના કરવામાં આવે છે. જ્યારે પાર્ટીએ લોક્સભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો નક્કી કર્યા ત્યારે નવજોત સિંહ સિદ્ધુ સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. પરંતુ હવે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો સિદ્ધુનો સંપર્ક કરી રહ્યા છે અને પ્રચાર માટે રેલીઓ યોજવા વિનંતી કરી રહ્યા છે.

સિદ્ધુ કેમ્પનું કહેવું છે કે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પાર્ટીને મજબૂત કરવા માટે પંજાબભરમાં રેલીઓ કરી રહ્યા હતા ત્યારે સિદ્ધુની રેલીઓનું આયોજન કરનારા ઘણા નેતાઓને બિનજરૂરી રીતે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ આ સમગ્ર મામલે નવજોત સિંહ સિદ્ધુ સાથે ચર્ચા નહીં કરે અને સિદ્ધુ જૂથના નેતાઓને પાર્ટીમાંથી બહાર નહીં કરે ત્યાં સુધી સિદ્ધુ જૂથનો કોઈ પણ નેતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે નહીં

આપને જણાવી દઈએ કે, નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની ખરાબ તબિયતનું કારણ આપીને પટિયાલા લોક્સભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારપછી તેઓ પોતાની આથક સ્થિતિને ટાંકીને આઇપીએલમાં જોડાયા હતા. હાલમાં સિદ્ધુ આઈપીએલમાં કોમેન્ટેટર તરીકે સામેલ છે. આઇપીએલમાં સામેલ થવાને કારણે સિદ્ધુએ રાજકીય કાર્યક્રમોથી અંતર રાખ્યું છે. લોક્સભા ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધુની તેમના જૂથના નેતાઓ સાથેની આ મુલાકાત ફરી એકવાર પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ તમામની સ્થિતિ સર્જી શકે છે.