
મુંબઇ, ભારતના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળમાં આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરનો સમાવેશ થાય છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને દેશભરમાંથી અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વિષ્ણુનાં દર્શન કરવા આવે છે. આ મંદિરના સંચાલકોએ નવી મુંબઈના ઉળવે નોડ ખાતે મંદિરની પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય લીધો છે. બે વર્ષે પહેલાં આ બાબતે તત્કાલીન સરકાર સાથે વાતચીત થઈ હતી અને અત્યારની સરકારે આ મંદિર માટે ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતની ૧૦ એકર જમીન મંદિર બનાવવા માટે ફાળવી છે. અંદાજે ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારા આ મંદિરનું ભૂમિપૂજન ૭ જૂને રાખવામાં આવ્યું છે.
તિરુપતિ તિરુમાલા દેવસ્થાનના અધ્યક્ષ વાય. વી. રેડ્ડીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘નવી મુંબઈમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા મુખ્ય મંદિરની પ્રતિકૃતિ બનાવવા માટે ૭ જૂને ભૂમિપૂજન કરવામાં આવશે. આ માટે અત્યારની સરકારે મંજૂરી આપી છે એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.’
ઉલ્લેખનીય છે કે તિરુપતિ તિરુમાલા મંદિર ટ્રસ્ટે બે વર્ષ પહેલાં નવી મુંબઈમાં બાલાજી મંદિરની પ્રતિકૃતિ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારે ટ્રસ્ટની માગણી સ્વીકારીને નવી મુંબઈના ઉળવે નોડ ખાતેની ૫૦૦ કરોડ રૂપિયાની કિંમતની જમીન ફાળવવાનો નિર્ણય લીધો હતો. ૧૦ એકર જમીન નવી મુંબઈમાં બંધાઈ રહેલા નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક છે.
આદિત્ય ઠાકરેએ બાલાજી મંદિર બનાવવા માટેનું કામ આગળ ન વધ્યું હોવાથી અત્યારની એકનાથ શિંદેની આગેવાનીની સરકારની ટીકા કરી હતી. આથી રાજ્ય સરકારે મંદિરના કામ માટેની મંજૂરી આપી છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભૂમિપૂજન વખતે હાજર રહેશે એવું જાણવા મળ્યું હતું.
તિરુપતિ તિરુમાલા મંદિરના ર્ટ્સ્ટના કહેવા મુજબ મુખ્ય મંદિરની પ્રતિકૃતિ નવી મુંબઈમાં બનાવવા માટે ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ ખર્ચ દાતાઓ અને ભક્તો પાસેથી દાન તરીકે સ્વીકારવામાં આવશે.