નવાઝુદ્દીને પૂર્વ પત્ની અને ભાઈ પર માનહાનિનો દાવો કર્યો:૧૦૦ કરોડના વળતરની માંગ

મુંબઇ,નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પૂર્વ પત્ની આલિયા સિદ્દીકી છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં રહે છે. તો સમાચાર આવ્યા હતાં કે, નવાઝુદ્દીન સિદ્દીકી હવે પૂર્વ પત્ની આલિયા સાથે સમાધાન કરવા માંગે છે. તો હવે ચર્ચા થઇ રહી છે કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ભાઈ અને પૂર્વ પત્ની આલિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં નવાઝે દાવો કર્યો છે કે તેમની સામેના તમામ આરોપો પરત ખેંચી લેવા જોઈએ અને લેખિત માફી પણ માંગવી જોઈએ. એટલું જ નહીં, નવાઝે ભાઈ ને પૂર્વ પત્ની આલિયા પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ માંગ કરી છે.

નવાઝુદ્દીનના આ માનહાનિ કેસની સુનાવણી ૩૦ માર્ચે થવાની છે. નવાઝુદ્દીને અરજીમાં જણાવ્યું છે કે, ભાઈ અને પૂર્વ પત્નીએ આલિયાના નિવેદનો સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ સાથે જ કહ્યું હતું કે, પત્ની અને ભાઈએ લેખિતમાં માફી માંગવી જોઈએ. નવાઝે અરજીમાં આ ૫ આરોપનો ઉલ્લેખ કર્યો જેમાં ૧. નવાઝે જણાવ્યું હતું કે, ૨૦૦૮માં જ્યારે તેના ભાઈ શમસુદ્દીને ને કહ્યું હતું કે, તે બેરોજગાર છે, ત્યારે તેણે તેને પોતાના મેનેજર તરીકે નિયુક્ત કર્યા હતાં. તેમણે શમસુદ્દીનને આવકવેરા રિટર્ન, ઓડિટિંગ, જીએસટી ફાઇલિંગ જેવા તમામ કામોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું અને પોતે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું.

નવાઝુદ્દીને પોતાનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, સહી કરેલી ચેકબુક, બેંકનો પાસવર્ડ, ઇમેલ એડ્રેસ તેના ભાઈને સોંપી દીધું હતું. આ દરમિયાન તેના ભાઈએ બેઈમાની શરૂ કરી અને પૈસાનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.,૨. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે નવાઝુદ્દીન પાસે બેન્કના વ્યવહારો અંગે બેન્ક સાથે સંકલન કરવા માટેનો સમય નહોતો. શમસુદ્દીને તેને જણાવ્યું કે તે નવાઝના નામે સંપત્તિ ખરીદી રહ્યો છે, પરંતુ હકીક્તમાં તે પોતાના નામે સંપત્તિ ખરીદી રહ્યો હતો. પ્રોપટીમાં યારી રોડ પરનો એક ફ્લેટ , એક કોર્મશિયલ પ્રોપટી બુધનાના શાહપુરમાં એક ફાર્મ હાઉસ અને દુબઈમાં એક સંપત્તિનો સમાવેશ કરવામાં આવેછે.,૩. નવાઝે જ્યારે આ અંગે પોતાના ભાઈને સવાલ કર્યો તો તેણે પૂર્વ પત્ની આલિયાને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું.,૪. આલિયા એટલે કે અંજનાએ લગ્ન પહેલાં જ પરિણીત હતી. પરંતુ તેણે અપરિણીત હોવાનો દાવો કરીને તેમને છેતર્યા હતા.,૫. જ્યારે સત્ય સામે આવ્યું તો નવાઝને આશ્ર્ચર્ય થયું હતું. નવાઝે પોતાના ભાઈ અને પૂર્વ પત્ની બંને પર ૨૧ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

છેલ્લા એક વર્ષથી નવાઝ પર તેની પૂર્વ પત્ની આલિયા ને ભાઈ શમસે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. નવાઝ તથા આલિયાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. આલિયાએ કહ્યું હતું કે નવાઝ અને તેના પરિવારે તેનું શોષણ કર્યું છે. તો નવાઝે કહ્યું હતું કે તે આલિયાથી અલગ થઈ ચૂક્યો છે, પરંતુ તે ગેરકાયદેસર રીતે સંપત્તિ ને બંગલા પર અધિકાર જમાવવા માગે છે. આલિયાએ કહ્યું હતું કે નવાઝને ડિવોર્સ આપ્યા બાદ પણ તેઓ રિલેશનશિપમાં હતા અને બીજા બાળકનો જન્મ પણ ડિવોર્સ બાદ થયો હતો. જોકે, નવાઝે ક્યારેય તેને માન-સન્માન આપ્યું નથી. નવાઝની માતાએ એવું કહ્યું હતું કે બીજું બાળક નવાઝનું નહીં, અન્ય કોઈનું છે.

આલિયાએ નવાઝ પર રેપનો કેસ કર્યો છે. આલિયાએ ૨૪ ફેબ્રુઆરીએ સો.મીડિયામાં કહ્યું હતું, ’નવાઝની માતા મારા માસૂમ બાળકને નાજાયઝ કહે છે અને આ બકવાસ માણસ ચૂપ રહે છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં પ્રૂફની સાથે રેપની ફરિયાદ કરી છે. કંઈ પણ થઈ જાય, પરંતુ તે લોકોને મારા બાળકો નહીં આપું.’