નવીદિલ્હી, નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમારોહનો કોંગ્રેસ-સપા સહિત વિપક્ષની કુલ ૧૮ પાર્ટીઓએ બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. આ પાર્ટીઓ કહી રહી છે કે સંસદનું ઉદ્ગાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનાં હસ્તે થવું જોઈએ. આ વચ્ચે માયાવતીએ કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર સંસદ બનાવી રહી છે તો ઉદ્ગાટન કરવાનો પણ તે હક ધકાવે છે.
ઉદ્ગાટનને આદિવાસી મહિલાનાં સમ્માન સાથે જોડવાની વિપક્ષની વાતને માયાવતીએ નકારી છે. તેમણે વિપક્ષને ટાર્ગેટ કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂની સામે ઉમેદવાર ઉતારતી વખતે આ બાબત ધ્યાનમાં લેવી જોઈતી હતી.
માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર રહી હોય કે હાલમાં ભાજપની હોય, બસપાએ દેશ તેમજ જનહિત મુદાઓ પર હંમેશા પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને સમર્થન કર્યું છે. ૨૮ મેનાં નવા સંસદ ભવન ના ઉદ્ઘાટનને પણ પાર્ટી આ જ સંદર્ભમાં જોઈ તેનું સ્વાગત કરે છે.
માયાવતીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજી દ્વારા નવા સંસદનું ઉદ્ગાટન ન કરાવવાને લીધે બહિષ્કાર કરવો એ યોગ્ય નથી. સરકારે સંસદને બનાવ્યું છે તો તેનું ઉદ્ગાટન કરવું પણ તેનો જ હક છે. તેમણે કહ્યું કે દેશને સમર્પિત થનારા કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમર્થનમાં જોડાવા માટે મને પણ આમંત્રણ મળ્યું છે જેના માટે હું આભારી છું અને શુભકામના પાઠવું છું. પરંતુ પાર્ટીની સતત ચાલી રહેલી સમીક્ષા બેઠકો સંબંધિત મારી પૂર્વનિર્ધારિત વ્યસ્તતાને કારણે હું સમારોહમાં જોડાઈ શકીશ નહીં.