અમદાવાદ, ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન આ વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે રથની તૈયારીઓના ભાગરૂપે હવે કલર કામ શરુ થયું છે. આ વર્ષે જગન્નાથપુરીના રથના કલર જેવા જ રથ કરવામાં આવશે. પુરીની રથયાત્રાની જેવી જ રથયાત્રા લાગે તેવા પ્રયાસ મંદિર તરફથી કરવામાં આવી રહ્યા છે. ભગવાનના રથના કલરની કામગીરી હાથથી નહીં પરંતુ સ્પ્રેથી પાક્કા કલરથી કરવામાં આવી રહી છે. જેના કારણે દર વર્ષે કલર કરવાની જરૂર નહીં પડે. દસ દિવસમાં આ રથના કલરની કામગીરી પૂર્ણ થઈ જશે.
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ભગવાનના નવા રથમાં કલરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાએ ખૂબ જ મોટો ઉત્સવ છે અને લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે ભલે લોકો જગન્નાથપૂરી જઈ ન શકે પરંતુ જગન્નાથપુરીની રથયાત્રા જેવી જ અનુભૂતિ લોકોને થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. જેથી રથના કલર જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ કરવામાં આવ્યા છે.
ભગવાનના રથનું કલર કામ કરનાર કારીગર જૈનિકભાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભગવાનના રથના કલરની કામગીરી છેલ્લા બે-ત્રણ દિવસથી કરવામાં આવી રહી છે. આ વર્ષે રથના કલરની કામગીરી ઓટો પીયુ એટલે કે સ્પ્રેથી કરવામાં આવી રહી છે. આ કલર લાંબો સમય સુધી જળવાઈ રહેશે. જેથી દર વર્ષે કલર કરવાની જરૂરિયાત રહેશે નહીં. વધુમાં આ કલર કામગીરી દર વર્ષે હાથેથી કરવામાં આવતી હતી. પરંતુ હવે આ વર્ષે રથના કલરની કામગીરી સ્પ્રેથી કરવામાં આવી રહી છે. જ્યાં જરુર હશે ત્યાં હાથેથી કલર કરવામાં આવશે.
ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા ૨૨ જૂનના રોજ ઉજવવાની છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ અખાત્રિજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ રથની નાની મોટી કામગીરી કરવામાં આવી રહી છે. રથના પૈડા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથને કલર કરવામાં આવી રહ્યો છે. ૪ જૂનના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા રથની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નવા રથ હોવાના કારણે રથની ટ્રાયલ પણ આ વર્ષે લેવામાં આવશે. જેના કારણે રથયાત્રાના દિવસે કોઇપણ પ્રકારની તકલીફ ઉભી થાય નહીં.
વર્ષોથી ભગવાન જગન્નાથના રથનું સમારકામ કરનાર અને રથ ખેંચનાર મહેન્દ્રભાઈ ખલાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. ૭૨ વર્ષ બાદ આ વર્ષે ૭૩માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળવાના છે. આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડા આવવાનું અને નાનું મોટું કામ શરૂ થઇ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.