ભારતમાં આવતા મહિને યોજાનારી જી ૨૦ સમિટ પહેલા ચીને ફરી એકવાર પોતાનો રંગ બતાવ્યો છે. સોમવારે ચીને પોતાનો સત્તાવાર નકશો જાહેર કરીને વિવાદ શરૂ કરી દીધો છે. કારણ કે, આ નકશામાં ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગર પરના તેના દાવા સહિત વિવાદિત વિસ્તારોનો સમાવેશ કર્યો છે.
અધિકૃત ગ્લોબલ ટાઈમ્સે અગાઉ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચીનના સત્તાવાર નકશાની ૨૦૨૩ની આવૃત્તિ સોમવારે બહાર પાડવામાં આવી છે. તે પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા હોસ્ટ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ મેપ સર્વિસની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી છે. આ નકશો ચીન અને દૂનિયાની રાષ્ટ્રીય સીમાઓની ડ્રોઈંગ પધતીના આધારે બનાવવામાં આવ્યો છે.
ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ નકશો અરુણાચલ પ્રદેશમાં ચીનનો હિસ્સો દર્શાવે છે, જેનો ચીન દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે, અને અક્સાઈ ચીન, જે ૧૯૬૨ના યુદ્ધમાં કબજે કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતે ચીનને વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.
નકશામાં તાઈવાનના અલગ ટાપુ પર ચીનના દાવા અને દક્ષિણ ચીન સાગરના મોટા ભાગનો દાવો કરતી નાઈન-ડેશ લાઇનનો પણ સમાવેશ થાય છે. ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ હોવાનો દાવો કરે છે અને મુખ્ય ભૂમિ સાથે તેનું એકીકરણ એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઉદ્દેશ્યનો એક ભાગ છે. ત્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાન પણ દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારોને પોતાનામાં દર્શાવ્યા છે.