નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરતું અદાણી ગૃપ  

આંતર રાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે રાજદૂતોએ ખાવડા અને મુંદ્રાની મુલાકાત કરી ભારતના સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક ગતિવિધીની જાણકારી મેળવી

અમદાવાદ,આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે એક વિશિષ્ટ અવસરની અદાણી ગૃપે યજમાની કરીને ગુજરાતના કચ્છના ખાવડા અને મુંદ્રામાં અદાણી જૂથના વિવિધ પ્રકલ્પોના સ્થળે દુનિયાના નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતો અને ઉંચ્ચ આયુક્તોના બનેલા પ્રતિનિધિ મંડળનું ભાતીગળ સ્વાગત કર્યું હતું. આ પ્રતિનિધિ મંડળે સ્વચ્છ  ઉર્જા, આંતરમાળખું અને ઔદ્યોગિક  વિકાસમાં ભારતની પ્રગતિને રસપૂર્વક નિહાળી તેની અલગ અલગ ગતિવિધીનો સાક્ષાત્કાર કર્યો હતો. 

પશ્ચિમ ભારતના  બંજર પ્રદેશ કચ્છના અંતરિયાળ ખાવડા વિસ્તારમાં ભારતની સૌથી મોટી રિન્યુએબલ્સ કંપની અદાણી ગ્રીન એનર્જી દ્વારા આકાર લઇ રહેલા દુનિયાના મહાકાય સ્વચ્છ ઉર્જા પ્લાન્ટની મુલાકાતથી આ પ્રતિનિધિ મંડળએ તેઓની કચ્છની મુલાકાતનો આરંભ કર્યો હતો. પેરિસના કદના પાંચ ગણા વિસ્તારમાં ફેલાયેલો 30 ગિગાવોટની ઉત્પાદન ક્ષમતાનો નિર્માણાધિન આ સૌર અને પવન ઉર્જા પ્રકલ્પ સ્વચ્છ,સસ્તી અને ટકાઉ વીજળી પેદા કરવા સાથે  ભારતની સતત વધતી રહેલી વીજળીની માંગને પહોંચી વળવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ખાવડામાં જટિલ કામગીરીની સારસંભાળ કરતા એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (ENOC) સહિત હાઇબ્રિડ સોલર-વિન્ડ પ્રોજેક્ટ સાથે ટકાઉ વિકાસ માટે સંકલિત અદ્યતન ટેક્નોલોજીને તેઓએ રસપૂર્વક નિહાળી હતી.  

ભારતના સૌથી મોટા વ્યાપારી મુંદ્રા બંદરેથી દેશના લગભગ 11% દરિયાઇ કાર્ગો અને કન્ટેનર ટ્રાફિકના 33%ની હેરફેર થાય છે, વિવિધ દેશોના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોએ  વિશ્વના આગવી હરોળના ઉદ્યોગકારો દ્વારા રોકાણ થઇ રહ્યું છે તેવા અદ્યતન ઉત્પાદકીય કામકાજને આવરી લેતા મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (ઇએમસી)ની પણ પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ભારતના ભાવિને આકાર આપવામાં મહિલાઓની વધતી ભૂમિકાને દર્શાવતી આ સુવિધાઓની આસપાસ કાર્યરત ભારતના ઔદ્યોગિક,આર્થિક અને ઉર્જા ક્ષેત્રોની કાયાપલટ માટે યોગદાન આપી રહેલા ઇજનેરો તેમજ મહિલા વ્યવસાયિકોને પણ આ મહિલા રાજદ્વારીઓ મળ્યા હતા.

આ પ્રતિનિધિ મંડળમાં ભારત ખાતેના ઇન્ડોનેશિયાના રાજદૂત ઇના ક્રિષ્ણમૂર્તિ, લિથુનિયાના ભારત ખાતેના રાજદૂત ડાયેના મિકેવિસિને, ભારત ખાતેના મોલ્ડોવાના રાજદૂત એના ટેબાન,ભારત, રોમાનિયા, નેપાળ અને બાંગ્લાદેશના ભારત ખાતેના રાજદૂત સેના લતિફ, સિચેલસના ભારત ખાતેના ઉચ્ચ આયુક્ત લેલેટિઆના એકૌચ, ભારત ખાતેના લેસોથોના ઉચ્ચ આયુક્ત લેબોહેંગ વેલેન્ટાઇન મોકાબા, ઇસ્ટોનિઆના ભારત ખાતેના રાજદૂત મર્જે લુપ, સ્લોવેનિયાના ભારત ખાતેના રાજદૂત માટેજા વોડેબ ઘોષ તથા ભારત ખાતેના લક્ઝમ્બર્ગના રાજદૂત પેગી ફ્રેન્ટઝન જોડાયા હતા.